સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અલ્પેશ ડાહ્યાભાઈ નામના શખ્સની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અલ્પેશે પોતાની બાઈક ઉપર બેઠો છે અને બાઈકની આગળ એક કાગળ ચિપકાવવામાં આવ્યો છે. આ કાગળ ઉપર સાફ લખવામાં આવ્યું છે કે મંદીના કારણે તે દંડ ભરી શકે તેમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસવીર બાદ જ્યારે ETV ભારતે બાઈક ચાલક અલ્પેશને શોધી કાઢ્યો ત્યારે તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીના કારણે તેની ઇલેક્ટ્રિકની દુકાન બરાબર ચાલતી નથી. અગાઉ રોજની સાત હજારની આવક થતી હતી પણ મંદીના કારણે હાલ રોજના 700 રૂપિયાથી હજાર રૂપિયાની જ આવક થાય છે. મારી પર પરિવારની જવાબદારી છે. બાળકોની ફી થી લઈ પુરા પરિવારના ભરણપોષણની જવાબદારી છે તો આટલી મંદીમાં હું પરિવારનું ભરણ પોષણ કરી શકુ તેવી મારી સ્થિતિ નથી. નવા કાયદામાં દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે જે ભરવામાં હું સક્ષમ નથી.
જુઓ, સુરતમાં યુવાનનો મોટર વ્હીકલ એક્ટનો અનોખો વિરોધ
સુરત: મંદીના માહોલમાં જ્યારે મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો બન્યો ત્યારે વિચાર્યું નહિ કે વાહન ચાલકો પર તેની શું અસર થશે? મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરતના અલ્પેશ ડાહ્યાભાઈ નામના શખ્સે પોતાની બાઈક ઉપર કાગળ ચિપકાવીને સાફ લખી દીધું છે કે આર્થિક મંદીના કારણે તે ટ્રાફિકનો દંડ ભરી શકે તેમ નથી. અલ્પેશની આ તસવીર ગુજરાત ભરમાં વાયરલ થઈ રહી છે.
અલ્પેશે વધુમાં જણાવ્યું કે, હાલમાં જ ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા મને રોકવામાં આવ્યો હતો પણ મેં સાફ શબ્દોમાં કહી દીધું હતું કે હાલ મંદીના કારણે તેની પાસે પૈસા નથી જેથી તે દંડ ભરી શકે નહીં અને વારંવાર મને પોલીસ ન પકડે તે માટે મે પહેલેથી જ પોતાની બાઈક ઉપર આગળ કાગળ ચિપકાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેમાં કાયદાનો ભંગ કરનાર લોકોને મસમોટો દંડ ફટકારવામાં આવશે, ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આ દંડની રકમમાં લોકોને રાહત પણ આપવામાં આવી છે, પરંતુ મંદીના માહોલના કારણે લોકો આ દંડની રકમને લઈ હેરાન થઇ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જેમાંની એક અલ્પેશની તસ્વીર પણ છે.