- ખાતર, બિયારણ, મજૂરી વધી તેની સામે ખેડૂતોને મળતા ભાવમાં સતત ઘટાડો
- ગત વર્ષ કરતાં પણ સરેરાશ 280થી 470 રૂપિયા જેટલો નીચો ભાવ જાહેર
- ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ, જ્યારે કામરેજ સુગર ફેક્ટરીએ સૌથી ઓછો ભાવ જાહેર કર્યો
સુરત : દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ 31 માર્ચની જગ્યાએ નવા નાણાકીય વર્ષમાં 3 એપ્રિલના રોજ શેરડીની પીલાણ સિઝન વર્ષ 2020-21ના આખર ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી. જાહેર થયેલા ભાવોમાં મહત્વની ગણાતી સુગર ફેક્ટરીઓએ પણ સરેરાશ 280થી 470 રૂપિયા ટન દીઠ ગત વર્ષ કરતાં ઓછા ભાવ જાહેર કર્યા હતા. એક તરફ 2022માં સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે, ત્યારે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ સૌથી નીચા ભાવ મળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારીમાં પિસાઇ રહેલા ખેડૂત પર આજે શનિવારે જાહેર થયેલા ભાવ જાણે પડતાં પર પાટુ સમાન સાબિત થયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ ટન દીઠ 2,921 ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 2,873 રૂપિયા જાહેર કર્યો હતો. આ સાથે જ સૌથી ઓછો ભાવ કામરેજ સુગર ફેક્ટરીએ 2,307 રૂપિયા જાહેર કર્યો હતો.
દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓની પીલાણ સિઝન 2020-21 ના શેરડીના ભાવો આડ પેદાશોનો ઓછો ભાવ અને ટન દીઠ ખાંડના ઉત્પાદનમાં ઘટાડો ઓછા ભાવ માટે જવાબદાર
3 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતની સહકરી સુગર ફેક્ટરીઓ શેરડીના આખરના ભાવ જાહેર કરવાની હોવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા. જો કે, ભાવ જાહેર થતાં જ ખેડૂતોની આશા નિરાશમાં વ્યાપી ગઈ હતી. દરેક શુગર ફેક્ટરીમાં શેરડીના પીલાણ દરમિયાન ટન દીઠ 5થી 8 કિલો ખાંડનું ઓછું ઉત્પાદન, મોલસિસ, બગાસ જેવી આડ પેદાશનો ઓછો ભાવ, વાહતુક ખર્ચમાં વધારો જેવા કારણોને લઈને ખેડૂતોને ભાવ ઓછો મળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -સુરતમાં બારડોલી સુગર ફેક્ટરીના સૂચિત ડિસ્ટીલરી પ્લાન્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ
ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળ્યો
આ પરિસ્થિતિમાં સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કરતાં મહત્વની ગણાતી ગણદેવી, બારડોલી, ચલથાણ, મઢી જેવી સુગર ફેક્ટરીઓએ પણ ગત વર્ષની પીલાણ સિઝન 2019-20 કરતાં પણ ટન દીઠ સરેરાશ 280થી 470 રૂપિયા જેટલો સરેરાશ ભાવ નીચો જાહેર કર્યો છે.
છેલ્લા 9 વર્ષના ટનદીઠ ભાવ ભાવ ઓછા જાહેર થતાં દક્ષિણ ગુજરાતનાં અર્થતંત્ર પર અસર
એક તરફ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી, મોંઘવારી અને મંદીને કારણે પહેલાથી જ અર્થતંત્ર ખોરવાયેલૂં છે. અર્થતંત્ર પાટા પર આવે તે માટે સ્થાનિક વેપારીઓ પણ શેરડીના ભાવ સારા મળે તેની આશા રાખીને બેઠા હતા, પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળતાં લોકલ ઈકોનોમી પર પણ તેની મોટી અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના અર્થતંત્રમાં સુગર ફેક્ટરી મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિસ્તારની જીવાદોરી ગણાતી સુગર ફેક્ટરીના ભાવ યોગ્ય મળે તો દક્ષિણ ગુજરાતમાં સમગ્ર વેપાર ઉપર તેની અસર રહે છે. હવે ભાવ નીચા રહે તો સ્વાભાવિક તેની અસર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે દક્ષિણ ગુજરાતનાં તમામ વેપાર ઉપર રહેશે અને મંદીના માહોલમાં વધુ મંદીનો સામનો કરવો પડશે એમાં બે મત નથી.
2012-13ના વર્ષ કરતાં 200થી 300 રૂપિયા ઓછો ભાવ
સુગર ફેક્ટરીની સ્થિતિ જોઈએ તો નવ વર્ષ અગાઉ વર્ષ 2012-13માં સુગર ફેક્ટરીના ભાવ હતા તેનાથી પણ નીચા ભાવ 2020-21માં સુગર ફેક્ટરી ચૂકવી રહી છે. 2012-13માં સુગર ફેક્ટરીઓએ 2,615થી 3,125 સુધીનો ભાવ ચુકાવ્યો હતો. જેની સામે 2020-21માં 2,307થી 2,921 રૂપિયા પ્રતિ ટન ભાવ આપ્યો છે. જે 200થી 300 રૂપિયા જેટલો ઓછો છે. 2021નું વર્ષ ચાલી રહ્યું છે અને સરકારનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન છે, પરંતુ ગત 9 વર્ષના આંકડા જોતાં શેરડી પકવતા ખેડૂતોની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવક વધવાની જગ્યાએ અહીં ઉલ્ટી ગંગા વહી રહી છે. 9 વર્ષના સમયગાળામાં શેરડીના ઉત્પાદન ખર્ચમાં 2 ગણાથી પણ વધુનો વધારો થયો છે. રાસાયણિક ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી, ખેડ કે અન્ય ભાવો આસમાને છે, જ્યારે શેરડીના ભાવ તળિયે જઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે હાલમાં ગામથી લઈ દિલ્હી સુધી એક જ સરકાર છે. આમ છતાં દક્ષિણ ગુજરાતની વામણી નેતાગીરી દક્ષિણ ગુજરાતનાં પાયાના પ્રશ્નો ગાંધીનગર કે દિલ્હી સુધી રજૂ કરી શકતી નથી. સુગર ફેક્ટરીઓને મહત્વની રાહતો અપાવી શકતા નથી.
આ પણ વાંચો -બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : 13 બેઠકો પર સહકાર અને કિસાન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ
રિકવરી ઓછી રહેતાં ભાવ ઓછા મળ્યા
આ અંગે મહુવા સુગર ફેક્ટરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ખાંડ અને બાયપ્રોડક્ટની આવકમાંથી વહીવટી અને અન્ય ખર્ચાઓ બાદ કરી ખેડૂતોને ભાવ ચૂકવવામાં આવતો હોય છે. ગત વર્ષના અનુસંધાનમાં વાતાવરણના કારણે રિકવરીમાં 1 કિલોથી લઈ 10 કિલો સુધી ખાંડ ઓછી બની છે. 100 રૂપિયાથી 500 રૂપિયા જેટલું નુકસાન ગયું છે. જેના કારણે આ વર્ષે ભાવ ઓછા મળ્યા છે.