દ્રશ્યમાં સૂકીભટ દેખાતી આ નદી છે. મહુવા તાલુકાની મહત્વની અને જીવાદોરી સમાન અંબિકા નદી સુકી જોવા મળી રહી છે. આ મધરઇન્ડિયા ડેમ ,આમ તો આ ડેમમાં જૂન માસ સુધી પાણીથી ભરેલા હોઈ છે અને વરસાદ પહેલા આ ડેમમાંથી સંગ્રહિત પાણી ખાલી કરવાની ફરજ પડે છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઇક અલગ જ છે. ઉનાળાની શરુઆત થતા જ આ ડેમ સુકોભટ થઇ ગયો છે. જેને લઇ આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાણી માટે વલખા મારી રહ્યા છે.
ડેમ અને નદી સુકાઇ જતા પાણી માટે પોકાર કરતા 23 ગામના ગ્રામજનો ડેમ અને નદી સુકાઈ જવાનું એક કારણ નહેરોનું નવીનીકરણ પણ છે. કારણ કે, નહેરો પાકી થઇ જવાના કારણે ખેતરોમાંથી વહી નદીમાં જતું વધારાનું પાણી હવે બંધ થઇ ગયું છે. જોકે ઉમરા સહીત આજુબાજુના 4 જેટલા ગામના લોકો છે જે કેનાલમાંથી નદીમાં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે.
પાણીની કદાચ સૌથી વધુ જરૂરિયાત ગૃહિણીને હોઈ છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની મહિલાઓ પાણી માટે પરેશાન થઇ રહી છે. નદી અને ડેમના પાણી સુકાઈ જવાથી આજુબાજુના વિસ્તારના કૂવા અને બોરના જળ સ્તર પણ નીચે ઉતરી ગયા છે. મહિલાઓએ ભારે હાલાકી ભોગવી પાણીની વ્યવસ્થા પરિવાર માટે કરવી પડે છે.
મધર ઇન્ડિયા ડેમ સુકાઈ જવાથી કે અંબિકા નદી સુકાઈ જવાથી માત્ર ઉમરા ગામ કે આજુબાજુ ના 3-4 ગામમાં જ અસર થઇ છે. અંબિકા નદીમાંથી આજુબાજુના 23 જેટલા ગામોને પાણી પહોંચાડવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા નદી કિનારે એક ફિલ્ટરેશન પ્લાન્ટ પણ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
પરંતુ નદીમાં પાણી સુકાઈ જતા હાલ 1 મહિનાથી આ પાણી પહોંચાડતો પ્લાન્ટ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે.આ બાબતે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આવાનાર દિવસોમાં આ વિસ્તારની હાલત બદથી પણ બદતર થાય તો નવાઇ નહી.
અંબિકા નદી છે અને એ જ મધર ઇન્ડિયા ડેમ છે. ગત ચોમાસામાં 3થી વધુ વખત ઓવરફલો થયો હતો અને આખા નવસારી જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધું હતું. પરંતુ સુજલામ સુફલામ યોજના હોય કે જળ સંચયના કાર્યક્રમ માત્ર તાયફો જ કરવામાં આવે છે.
જોકે વિસ્તારના ધારાસભ્ય મોહન ડોડીયા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન પાસે કેનાલમાંથી ડેમમાં પાણી નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાએ પણ જેમ બને તેમ જલ્દી પગલા લેવાની બાહેંધરી આપી છે.