સુરતના મગદલ્લામાં ત્યાંના લોકો દ્વારા વિસામો બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તેની જાણ મનપાના અધિકારીઓને થઈ જતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે અહીંના સ્થાનીકો રોષે ભરાયા હતા. ગત 11 તારીખે બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
ધારાસભ્ય અને સ્થાયી સમિતિ ચેરમેનના ઘેરાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સુરતઃ ધારાસભ્ય અને સ્થાયી સમિતિ ચેરમેનના ઘેરાવનો એક વીડિયો વાયરલ થયો છે. સુરતના મગદલા ગામમાં મહિલાઓએ ધારાસભ્ય ઝંખના પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન અનિલ ગોપલાણીનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકો ગામમાં વિસામો બનાવતા હતા, પરંતુ મનપા દ્વારા તેને તોડવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને ઘેરાવો કર્યો હતો.
લોકોના જણાવ્યા અનુસાર ગામમાં વિસામો બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, એક પણ ધારાસભ્ય કે મનપના અધિકારીઓ દ્વારા તેઓની સાંભળવામાં આવી નથી અને વિસામો બાનાવ્યો તો મનપાના અધિકારીઓ તોડવા આવી પહોંચ્યા હતા. લોકોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો. જેથી, ત્યાં ધારાસભ્ય ઝંખના પટેલ પણ આવી પહોંચ્યા હતા અને તેનો મહિલાઓએ ઘેરાવ કર્યો હતો અને ઝંખના પટેલને આડેહાથ લીધી હતી. વીડિયોમાં મહિલાઓ ધારાસભ્યને આડેહાથ લેતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મતદાન નહીં કરવાની પણ ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી.