સુરત : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે. ત્યારે ઉધના સ્ટેશનનું અપગ્રેડશન કરવામાં આવી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશનનનો નવો દેખાવ અને લેઆઉટ તેને એક મહત્વપૂર્ણ સ્થાન તરીકે બદલવા અને "નવા ભારતની નવી રેલ" બનવા માટે ડિઝાઈન કરાયેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાસ્તુકલાની સાથે સાથે પ્રબંધન પાસાઓના સંદર્ભમાં તેની આંતરરાષ્ટ્રીય અપીલના આધારે અલગ દેખાઈ આવવાનો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની કલ્પના કરવામાં આવી છે.
રૂ.223.6 કરોડના ખર્ચે નિર્માણ : ઉધના રેલવે સ્ટેશનને રૂ. 223.6 કરોડના સ્વીકૃત ખર્ચે આધુનિક સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યું છે. આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. એન્જિનિયરિંગ ખરીદ એન્ડ નિર્માણને (EPC) આ કાર્યનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાઈટ સર્વે, જિયો ટેકનિકલ અન્વેષણ અને માટી ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. પશ્ચિમ તરફના હાલના RPF ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા છે અને નવા ક્વાર્ટર્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અત્યાધુનિક સ્ટેશન : ગ્રાઉંડફ્લોરના સ્લેબનું કામ પૂર્ણ થતાં રૂફ સ્લેબનું કામ પ્રગતિમાં છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો ખસેડવામાં આવ્યા છે અને નવી PRS કાર્યરત કરવામાં આવી છે. પૂર્વ બાજુના સ્ટેશન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર સુપર સ્ટ્રક્ચર કોલમ વર્ક, સ્લેબ વર્ક અને સીડીની સાથે સાથે લિફ્ટ વોલનું કામ પ્રગતિ પર છે. સબ સ્ટેશન બિલ્ડીંગના સ્લેબનું કામ અને યુજી ટાંકીના પાયાનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ઉપરાંત પૂર્વ બાજુએ ફરતા વિસ્તારમાં રોડ અને પાર્કિંગ માટે WMM નું લેવલિંગ, ખોદકામ અને નાખવાનું કામ ચાલુ છે. નવા ફૂટ ઓવર બ્રિજના પાયાનું કામ પણ ચાલુ છે.