સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ખાતે ત્રણ અજાણ્યા યુવાનો સોમવારના રોજ કાળા રંગની પલ્સર મોટરસાઇકલ લઈને આવ્યા હતા. જ્યાં દેસાઇ ફળિયામાં મંદિર નજીક આ યુવાનો ઘરે ઘરે જઈ સોનું ચમકાવી આપવા માટે લોકોને જણાવ્યુ હતું. જો કે, મોટા ભાગના ગ્રામજનોએ આ ટોળકીને મચક આપી ન હતી, પરંતુ ચંદ્રસિંહ પ્રવીણસિંહ પરમારને ત્યાં આ ઠગ પહોંચ્યા હતા. જ્યાં જઈ તેમને સોનાના દાગીના પાલીસ કરવાના છે કે કેમ તે અંગે પૂછ્યું હતું.
સોનું ચમકાવવાના બહાને 3 ઠગો મહિલાના દાગી લૂંટી ગયા - પલસાણા પોલીસ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે 3 ઇસમો સોનું ચમકાવવાના બહાને આવી દેસાઇ ફળિયામાં રહેતી એક મહિલા પાસેથી 2 તોલા સોનું લઈને નાસી છૂટ્યા હતા. આ બાબતે ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના અંગે પલસાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચંદ્રસિંહની પત્ની ભાનુંબહેને સોનાની ચેઇન સહિત અંદાજે 2 તોલા સોનાના દાગીના આ ટોળકીને ચમકાવવા માટે આપ્યા હતા. દાગીના લીધા બાદ આ ટોળકીએ ભાનુબેનને કુકરમાં પાણી ગરમ કરી લાવવા માટે જણાવ્યુ હતું. ભાનુબેન ઘરમાં પાણી ગરમ કરવા ગયા તે સમયે આ ત્રણેય યુવાનો દાગીના લઈ રફુચક્કર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાની જાણ થતા જ ગામના રહીશોએ આ ટોળકીના સભ્યોને શોધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈભાળ મળી ન હતી. આ સમગ્ર ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવતા પલસાણા પોલીસે ગામના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.