બારડોલી તાલુકાના છેવાડે આવેલા પારડીવાલોડમાં હયાત પંચાયત ઘરને નવીનીકરણ માટે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં નવું બાંધકામ કરવામાં આવનાર છે. જો કે એક વર્ષ પહેલા બાંધકામ તોડી અને તેના નવા બાંધકામ માટે ખાડા પણ ખોદી નાખ્યાં હતાં. પરંતુ ત્યાર પછી આજ દીવસ સુધી તેની કામગીરી ઠપ્પ રહી છે. તેની બાજુમાં આંગણવાડી પણ આવેલી છે. જ્યાં જીવના જોખમે ખાડા પાસેથી પસાર થઇ અને નાના ભુલકાઓને આંગણવાડીમાં જવુ પડે છે. આ બાંધકામ દરમિયાન કરેલા ખાડા જો નહીં પુરવામાં આવે તો તેમાં દુર્ધટના સર્જાઇ શકે છે.
તંત્રની ઢીલી નીતિના ભોગ બની શકે છે આંગણવાડીના ભુલકાઓ !
બારડોલી: તાલુકાના પારડીવાલોડ ગામે છેલ્લા એક વર્ષથી પંચાયત ઘર તોડી પાડવામાં આવ્યું છે. નવા બાંધકામ માટે ખાડા ખોદવાની કામગીરી તો થઈ ગઈ છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કામ શરૂ થયું નથી, તેની નજીકમાં જ આંગણવાડી આવેલી છે. ત્યાં બાંધકામને લઇને આંગણવાડીના નાના ભુલકાઓને જીવના જોખમે ત્યાંથી પસાર થઈ અભ્યાસ કરવા જવું પડે છે.
એક વર્ષથી કામ ઠપ્પ થયું છે. હજુ પંચાયત મકાન બન્યું નથી. સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા એક વર્ષથી અવારનવાર લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ, તંત્રની ઢીલી કામગીરી તો ક્યાંક એજન્સીની લાલિયા વાડીને કારણે કામ ખોરંભે ચડ્યું છે. આંગણવાડીની બાજુમાં ખાડા હોવાથી બાળકોના સલામતી અંગે પણ ધણા પ્રશ્નો ઉભા થયા છે.
ગ્રામપંચાયત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતને પગલે બારડોલી તાલુકા પંચાયતનું તંત્ર પણ દોડતું થયું હતું. અને અધિકારીઓ એ પણ સ્થળ મુલાકાત કરી જે તે એજન્સીને સોંપાયેલ કામ તુરંત શરૂ કરવાની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.