- નગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક સેવા
- નગરપાલિકા હદ વિસ્તાર બહાર નિયત દરે સેવા
- બારડોલી નગરપાલિકાએ કરી જાહેરાત
બારડોલી: નગરપાલિકા દ્વારા કોરોના મહામારીને લક્ષમાં રાખી એમ્બ્યુલન્સ સેવા હાલ પૂરતી માત્ર કોવિડ દર્દીઓ માટે જ આપવાની જાહેરાત કરી છે. આ સેવા બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં નિઃશુલ્ક હશે જ્યારે નગરપાલિકા બહારના વિસ્તારોમાં નક્કી કરેલા દરે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો:બારડોલીના સીટી સ્કેન સેન્ટરમાં આવતા 80 ટકા દર્દીઓ કોરોના સંક્રમિત
ખાનગી સંચાલકો આડેધડ ભાડું વસૂલી રહ્યા છે
બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં કોરોના મહામારીને કારણે પરિસ્થિતી વિકટ બની રહી છે. દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી, તો હોસ્પિટલ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ મળવી મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં કેટલીક ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો આડેધડ રકમ વસૂલીને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. બારડોલીમાં જ જવાનું હોય તો પણ 10થી 15 હજાર રૂપિયાનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
પાલિકાને મોડે મોડે જ્ઞાન લાધ્યું
લોકોને પડી રહેલી હાલાકી બાદ મોડે મોડે જાગેલા બારડોલી નગરપાલિકાના શાસકોએ એમ્બ્યુલન્સનો સદુપયોગ કરવાનું જ્ઞાન લાધ્યું હતું. સોમવારના રોજ પાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઇએ બારડોલી નગરપાલિકાની એબ્યુલન્સને હાલ માત્ર કોવિડ દર્દીઓ માટે જ ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આ એમ્બ્યુલન્સ સેવા બારડોલી હદ વિસ્તારમાં આંતરિક હેરફેર કરવા માટે નિઃશુલ્ક આપવામાં આવશે તથા બારડોલી નગરપાલિકા વિસ્તારની બહાર નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા દરે સેવા પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો:બારડોલીનું સ્મશાન ગૃહ ફરી શરૂ, સુરતના મૃતદેહોને નહીં આપવામાં આવે અગ્નિદાહ
ફાયર સ્ટેશનના નંબર પર સંપર્ક કરી એમ્બ્યુલન્સ મેળવી શકાશે
એમ્બ્યુલન્સની સેવા માટે બારડોલી ફાયર સ્ટેશનનો નંબર 02622-220101 પર સંપર્ક કરવા જણાવાયું હતું. પાલિકા દ્વારા મોડે મોડે લેવામાં આવેલા આ નિર્ણયને લોકોએ વધાવી લીધો હતો. જો કે આવી સેવા પહેલાથી શરૂ કરવામાં આવી હોત તો શહેરના લોકોને મોટી રાહત થઈ શકી હોત.