કડોદરા અને પલસાણામાં ફાયર સેફ્ટીની તપાસની શરૂ
સરતઃ શહેરમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે 22 બાળકોના જીવ હોમાયા છે ત્યારે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. કડોદરા પાલિકાએ પણ લોકોની સુરક્ષાને ધ્યાનમાં 481 જેટલી મિલકતોને નોટીસ પાઠવીને ચોક્કસ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હોવાથી દીવા તળે અંધારા જેવી સ્થિતી ઉભી થઈ છે.
સુરતમાં થયેલી હોનારત બાદ સમગ્ર ગુજરાતમાં તપાસનો દોર શરૂ કરી દેવાયો છે. સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ આ ગોઝારી ઘટના બાદ તાકીદે બેઠક બોલાવી જિલ્લામાં ફાયર સેફટી ન હોય તેવી મિલકતોની નોટિસ આપી પગલાં ભરવાનો આદેશ આપયો હતો. જેના પગલે કડોદરા નગર પાલિકા અને પલસાણા તાલુકા પંચાયત દ્વારા 481 જેટલી મિલકતોની નોટિસ પાઠવવામાં આવી છે. સાથે 70 જેટલી મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 50 જેટલી મિલકતોમા ફાયર સેફટીના અભાવે નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ કડોદરા નગર પાલિકામાં જ ફાયર સેફટીના ઠેકાણાં નથી. માત્ર 3 કિલોના 7 ફાયર એસ્ટોડરના બાટલા મૂકીને તંત્ર ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો કરી રહ્યું છે.