સુરત : હેમા અખાડે અને અમિત મૈસૂર્યાના ગત 9 ફેબ્રુઆરીના રોજ સુરતમાં લગ્ન થયા હતા. આમ, તો બંને ઇચ્છતા હતા કે તેમના લગ્ન ધામધૂમપૂર્વક થાય. કારણ કે લગ્નનો પ્રસંગ જીવનમાં એક જ વખત આવતો હોય છે, પરંતુ હેમા ઈચ્છતી હતી કે તેના લગ્ન ખૂબ જ નજીવા ખર્ચમાં થાય અને જે રૂપિયા પછી તેનો એક ભાગ સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય.
દંપતીએ સમાજને નવી રાહ ચીંધી, લગ્નનો ખર્ચ ઓછો કરી તેનો ઉપયોગ વૃક્ષારોપણ માટે કર્યો તે દરમિયાન તેમની મુલાકાત સુરતમાં ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે થઈ હતી. વિરલ વૃક્ષારોપણનું મહા ભગીરથ કામ સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાં કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વૃક્ષો તેઓ વાવી ચુક્યાં છે. આ સાથે અનેક લોકોને આ દિશામાં તેમને મદદ પણ કરી છે. જેથી હેમા દ્વારા જે ઇચ્છા વ્યક્ત કરાઇ હતી તેમાં વૃક્ષારોપણ કરવાનો એક વિચાર મુકવામાં આવ્યો હતો.
આજે ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયાભરમાં મંડરાઇ રહ્યો છે. જેનું કારણ વૃક્ષોનું નિકંદન છે એક તરફ વૃક્ષો સતત ઘટી રહ્યા છે અને બીજી તરફ પ્રદુષણની માત્રા પણ સતત વધી રહી છે. આમ, શહેરમાં ઓક્સિજન અને ગ્રીન સ્પેસ ઘટી રહ્યો છે. પોતાના લગ્નમાં ઓછો ખર્ચ કરી તેમાંથી બચેલા રૂપિયાનો એક ભાગ વૃક્ષારોપણમાં આપવા માટે હેમા અને તેના પતિ વિરલ દેસાઈની મદદથી સુરતમાં આવેલી મહિલા આઇટીઆઇ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આઈટીઆઈના કમ્પાઉન્ડમાં સોથી વધારે છોડવાનું રોપણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં આ આખા કમ્પાઉન્ડમાં હજુ 200 જેટલા છોડવાઓ રોપવામાં આવશે. જેના કારણે સમગ્ર કેમ્પસ લીલુંછમ થઇ જશે.
હેમાએ વૃક્ષારોપણ કરી જણાવ્યું હતું કે તે આજે ખૂબ ખુશ છે. કારણકે તેને જ્યારે વિચાર આવ્યો હતો. તેના કરતાં આજે વધારે ખુશી થઇ છે. કારણકે તેને ખરા અર્થમાં કુદરતની મદદ કરી છે. આ તબક્કે તેને કહ્યું હતું કે વૃક્ષારોપણ કરવાની આપણા સૌની ફરજ છે, પરંતુ સાથે જ તેની કાળજી પણ એટલી જ લેવાવી જોઈએ.