હોંગકોંગમાં પોતાના અધિકારોના રક્ષણ માટે સ્થાનિકો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. જેને લઇને સત્તાધીશો દ્વારા હોંગકોંગ એરપોર્ટને સલામતીના ભાગરૂપે હાલમાં બંધ કરી દેવામાં આવતા સુરત અને મુંબઈથી જતા ડાયમંડના 25 ટકા પાર્સલો મુંબઈ એરપોર્ટ ઉપર જ અટકાવી ત્યાં જ રિઝર્વ કરી દેવામાં આવ્યા છે.
સુરતથી મોકલવામાં આવેલા કરોડોના હીરા મુંબઇ એરપોર્ટ પર અટકાવાયા
સુરત: હોંગકોંગમાં સ્થાનિકો દ્વારા બ્રિટિશ શાસન સમયના મળેલા અધિકારો જાળવી રાખવા માટે ચીન સામે દેખાવો કરી રહ્યા છે. એરપોર્ટના ઘેરાવ સહિત પ્રદર્શનના કારણે સુરતથી હોંગકોંગ માટે મોકલવામાં આવેલા કરોડોના હીરા મુંબઇ એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા છે. હાલ હોંગકોંગની સ્થિતિને જોઈ સુરતના ઉદ્યોગપતિઓ પણ ચિંતિત થયા છે.
હોંગકોંગ સાથે વાર્ષિક 5 બિલિયન ડોલર કરતા વધુનો ધંધો કરવામાં આવે છે. સુરતથી હોંગકોંગ 35 ટકા પોલિશ્ડ ડાયમંડનો એક્સપોર્ટ થાય છે. મુંબઇ એરપોર્ટ પર કરોડોના ડાયમંડ અટવાતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતાનો મોજું જોવા મળી રહ્યું છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતથી પાતળી સાઈઝના ડાયમંડ હોંગકોંગ મોકલવામાં આવે છે. એરપોર્ટ બંધ થઈ જતા વેપાર ઉપર સીધી અસર પહોંચી છે. હાલ અટકળો ચાલી રહી છે કે ચીન અને હોંગકોંગ ભૂતકાળમાં થયેલા કરાર મુજબ એક થઈ શકે છે. જેને લઈ સુરતના હીરા ઉદ્યોગના નિષ્ણાંતો માની રહ્યા છે કે જો આવી સ્થિતિનું નિર્માણ થાય તો તેનો સીધો લાભ સુરત હીરા ઉદ્યોગ મેળવી શકે છે.
જીજેઇપીસીના સુરત ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યાં અનુસાર પોલિશ્ડ ડાયમંડ હોંગકોંગ મોકલવામાં આવે છે અને ત્યાં મેન્યુફેક્ચર જ્વેલરી મેકિંગ અને વેલ્યુ એડીશનનો વર્ક કરે છે. જો હોંગકોંગ ચીન સાથે મળે તો ત્યાં વેપાર માટે વિસ્તરણનો અભાવ ચીનની વેપાર નીતિના કારણે જોવા મળશે. જેનો લાભ સુરત મેળવી શકશે. અહીં જ્વેલરી મેકિંગ અને વેલ્યુ એડિશનનો કાર્ય કરી વધુ એક આયામ સુરતમાં જોડી શકે. હાલ સુરત અને અમદાવાદમાં જ્વેલરી મેકિંગ કાર્ય કરવા કરવામાં આવે છે. તેમાં છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ 200 ટકા વધ્યું છે. હાલ જે સ્થિતિ હોંગકોંગમાં સર્જાઈ છે તેને લઇ કેટલાક હોંગકોંગમાં રહેતા ભારતીય વેપારીઓ સુરત અને સિંગાપુરમાં વેપાર કરવા વિચારી રહ્યા છે. જે સુરતમાં જ્વેલરી ઉદ્યોગ માટે ખુબ જ સારો માર્ગ બની શકે.