- અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય
- આસ્થાનું કેન્દ્ર ગણાતુ અંબિકા નિકેતન મંદિર નવરાત્રિના નવ દિવસ દરમિયાન રહેશે બંધ
સુરતઃ જિલ્લામાં ઇતિહાસમાં પ્રથમ વાર કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરત વાસીઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબિકા નિકેતન મંદિર નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવશે. નવરાત્રિના 8 અને 9માં દિવસે દર વર્ષે ભક્તોનો મંદિરમાં દર્શન માટે ભારે ઘસારો રહે છે. જ્યાં આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટીગણ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિર સુરતીઓનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દરેક તહેવારના સમય દરમિયાન ભક્તોનો અવિરત પણે ધસારો જોવા મળતો હોય છે. સામાન્ય દિવસોમાં મંદિરમાં દર્શન માટે ભક્તોની ચહલ-પહલ તો રહેતી જ હોય છે. પરંતુ આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીનું મોટુ ગ્રહણ મંદિરને નડ્યું છે. આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે મંદિરમાં ભક્તોનો ભારે ધસારો થવાની પૂરેપુરી શક્યતા રહેલી છે.