સુરત: ગુજરાત સરકારના મહત્વકાક્ષી પ્રોજેક્ટમાંથી એક સુરત મનપા આઇકોનિક ભવનનું આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમૂહર્ત થવા જઈ રહ્યું છે. આ સાથે જ મુખ્ય પ્રધાન હસ્તે શહેરમાં 2 હજાર કરોડથી વડુના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરવામાં આવશે. અહી 22 હજાર 100 ચો. મીટર જમીન ઉપર 105.30 મીટરની ઉચાઇ ધરાવતા 28 માળના બે ટ્વીન ટાવર ઉભા થવા જઈ રહ્યા છે. ચોકબજાર પાસે આવેલ ઈ.સ. 1644માં નિર્મિત હેરિટેજ બિલ્ડીંગ મુગલસરાઈમાં હાલ પાલિકાનું મુખ્યાલય કાર્યરત છે. સુરતની વસ્તીમાં વધારો થવા સાથે લોકસુવિધા, સુગમતામાં વધારો કરવાના આશયથી પાલિકાને નવા ભવનની જરૂરિયાત જણાઈ હતી. જેથી રાજ્ય સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી.
7 વર્ષમાં પૂર્ણ થઈ જવાનો અંદાજ:જોકે આ પ્રોજેક્ટ વર્ષ 2015 માં ગુજરાતના તે વખતના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદી પટેલે ભૂમિપૂજન કર્યું હતું. અને આ વહીવટી ભવન 7 વર્ષમાં પૂરું થઈ જવાનો અંદાજ હતો. જોકે 7 વર્ષ બાદ પણ આ કામ હજી શરૂ નથી થયું અને ફરીથી તેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે આટલા વર્ષો સુધી શા માટે આ કામ શરૂ ન થયું તે સવાલ ચોક્કસ સામે આવે તેમ છે. અહીં તૈયાર થનાર આ આઈકોનિક બિલ્ડીંગનો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.
ટેકનોલોજીથી સુસજ્જ હશે:આ ટ્વિન ટાવરો ધરતીકંપ રહિત અને સાયક્લોન પ્રૂફ હશે. સમગ્ર બિલ્ડીંગનું બાંધકામ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારિત રહેશે. ત્રણ થી સવા ત્રણ મીટરની માળ પ્રમાણે ઉંચાઈ રહેશે. 2.20 લાખ ચો.મી.નો બિલ્ટઅપ એરિયા, દેશના સૌપ્રથમ 105.3 મીટર ઊંચા 27 માળના અદ્યતન બે આઈકોનિક ઓફિસ બિલ્ડીંગ બનતા લોકસુવિધા વધશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકાની ઓફિસો એક જ સ્થળે કાર્યરત થશે. અહીં આ બિલ્ડીંગ સિવિક સેન્ટર, નાગરિકો માટે સિટિંગ એરિયા, મિટિંગ હોલ્સ, મલ્ટીપર્પઝ હોલ, લાઈબ્રેરી, એક્ટિવિટી રૂમની સુવિધા ધરાવતી આ બિલ્ડીંગો ઈન્ટીગ્રૅટેડ, મલ્ટી ડિસીપ્લીનરી અને સ્માર્ટ, ગ્રીન ટેકનોલોજીથી સુસજ્જ હશે.