તાપી નદીના કિનારે તાપીની સફાઈ કરવાની પ્રેરણા આપનાર ગુરૂકુળના મહંત પ્રભુ સ્વામીએ પ્રતિભાવ આપતા જણાવ્યુ કે, ‘રાજ્ય સરકારે તાપી શુદ્ધિકરણની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી સરાહનીય પહેલ કરી છે. સ્વામિનારાયણ ગુરૂકુળમાં યોજાતા કાર્યક્રમોમાં હંમેશા સ્વચ્છતા અભિયાન,‘પાણી બચાવો’, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, વ્યસનમુક્તિ જેવા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે.
તાપી નદીની સફાઈ માટે શ્રમદાન કરી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણારૂપ
સુરત : સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના ધો.11 અને 12 કોમર્સના 50 જેટલા વિદ્યાર્થીઓ સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉત્સાહભેર તાપી નદીની સફાઈ કરવાના કાર્યમાં શ્રમદાન કરીને શહેરીજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. તાપી નદીના કિનારે વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે જાતે પાવડા અને તગારા-ટોપલા વડે જળકુંભી દૂર કરી હતી.
તાપીને આપણે માતાનું સ્થાન આપતા હોઈએ તો આપણી ફરજ છે કે તાપી મૈયાને પ્રદૂષિત થતી અટકાવીએ. વિદ્યાર્થીઓ પણ તાપી સફાઈ માટે શ્રમદાન કરવા તત્પર અને ઉત્સાહિત છે.નદીઓને આપણે માતા માનીએ છીએ. પણ શું આપ જાણો છો કે વિશ્વમાં ભારતની જ એક એવી નદી છે એ નદી છે પૂણ્ય સલિલા ‘તાપી નદી’ ઐતિહાસિક તાપી નદીના શુદ્ધિકરણ માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે તાપી નદીતટે આવેલા સુરત સહિત સમગ્ર વિસ્તારના સુગ્રથિત આયોજન કરવાના હેતુસર અંદાજિત રૂા.922.18 કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો છે, જેના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ’ અન્વયે સુરતની તાપી શુદ્ધિકરણ માટે આ રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. સુરતવાસીઓ પણ રાજ્ય સરકારની યોજનામાં ખભેખભો મેળવી તાપીની શુદ્ધિ યોગદાન આપી રહ્યા છે.