પલસાણાઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે સામી દિવાળીએ લૂંટારુઓએ તરખાટ મચાવ્યો છે. શિવાલિક બંગ્લોઝમાં ચોરો એ એક ઘરને નિશાન બનાવ્યું હતું. ચોરોએ ચોરી પણ કરી અને ઘરમાલિકની કરપીણ હત્યા કરી દીધી હતી. સુરત ગ્રામ્ય પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાક્રમઃ પલસાણાના એના ગામે શિવાલિક બંગ્લોઝ સોસાયટીમાં ચોરો રાત્રે 3 કલાકે ત્રાટક્યા હતા. અહીં રહેતા રાકેશ ઈશ્વરભાઈ નાયક જે એના કેળવણી મંડળ સંચાલિત શાળામાં ક્લાર્કની નોકરી કરતા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની, પુત્ર અને પુત્રી છે. તેમના ઘરેથી ચોરોએ કુલ 2.50 લાખની ચોરી કરી હતી. તેમજ આ ઘરમાલીક ક્લાર્કની કરપીણ હત્યા કરી દીધી હતી. ચોરોએ પહેલા રાકેશભાઈ અને તેમની પત્ની પાસેથી ઘરેણા તેમજ રોકડ રકમની માંગણી કરી હતી. રાકેશભાઈએ ચોરોના કહેવા અનુસાર સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની લકી, બે સોનાની વીંટી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં ચોરોએ રાકેશભાઈનું ગળુ અને નાક દબાવીને હત્યા કરી દીધી હતી. ચોરો લેપટોપ પણ લઈ ગયા છે. આમ કુલ 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.