આ ફ્લાઇટની ઉડાનના પ્રથમ દિવસે જ સુરત-શારજહા ફલાઈટ ફૂલ જોવા મળી હતી. જેમાં કુલ 186 પેસેન્જરો સાથેની સુરત - શારજહા ફલાઇટે રાત્રીના સાડા બાર કલાકે શારજહા જવા માટે ઉડાન ભરી હતી. સુરત - શારજહાની ફલાઇટ શરૂ થતાની સાથે જ હવે સુરતીઓ જ નહીં પરંતુ દુબઇ અને શારજહાના યાત્રીઓને અપડાઉન કરવું તેમજ ધંધાકીય કામકાજો માટે પણ સહેલાઇ પડશે. જ્યાં યાત્રીઓએ આશા સેવી હતી કે આગામી દિવસોમાં સિંગાપોર, બેગકોક જેવી ઇન્ટરનેશનલ ફલાઇટ પણ શરૂ થાય.
વડાપ્રધાન મોદીના સુરત મુલાકાત દરમિયાન સુરત - શારજહા ફ્લાઇટ શરૂ કરવા હાલ જ લીલી ઝંડી આપી સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યાં ગત રોજ સાંજના સમય દરમિયાન શારજહાથી સુરત ફલાઇટ રાત્રીના 11:30 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. સુરત - શારજહાની પ્રથમ ફલાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ તેનું પાણીના ફોમ વડે બંને બાજુએથી સ્વાગત કરવામાં આવ્યું હતું.