સુરત RTOને લોકડાઉન થી અનલોક દરમિયાન 1 થી 16 કરોડ સુધીની થઈ આવક
રાજ્યભરમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોની સલામતી જળવાય અને RTOની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે 4 જૂનથી આરટીઓ કચેરીઓને શરૂ કરી દેવાઈ હતી. જોકે, લોકડાઉન દરમ્યાન આરટીઓને થયેલી ઝીરો આવકમાંથી મે મહિના બાદ 1 કરોડ લઇને 16 કરોડ સુધીની આવક નોંધાઈ છે.
સુરત: અનલોક 1 અન્વયે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પાલ આરટીઓ કચેરી ખાતે અરજી અને સેવાઓને સીમિત કરી દેવામાં આવી હતી. જેમાં એક દિવસમાં લાયસન્સ માટે 200 અરજીઓ ,નંબર પ્લેટ માટે 100 અરજીઓ અને વ્હીકલ સર્વિસ માટે 200 અરજીઓ જ સ્વીકારવામાં આવી રહી હતી. જોકે અનલોક 4 આવતા સુધીમાં ઓફિસની વ્યવસ્થા વધતા સેવાઓ માટેની અરજીઓના સ્વીકારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં એક દિવસમાં ટેસ્ટ ડ્રાઈવ માટે 300 અરજીઓ ,નંબર પ્લેટ માટે 200 અરજીઓ અને વ્હીકલ સર્વિસ માટે 400 અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. જેને કારણે લોકડાઉન સમયે આરટીઓની ઠપ થઈ ગયેલી આવકમાં મે મહિનાથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. મે મહિનાથી આરટીઓ કચેરીની આવક દોઢ કરોડથી લઈને અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધુ જોવા મળી રહી છે.