અત્યાર સુધી નવા કાયદા અંગે લોકોને જાગૃત કરી રહેલી સુરત પોલીસ આવતીકાલથી આ કાયદાનો કડકાઇથી અમલ કરવા માટે કટીબદ્ધ થઇ છે. જેની જાણકારી સુરત ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુંડેએ આપી હતી.
સુરત પોલીસ નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી માટે સજ્જ
સુરત: નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીને લઇ સુરત ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. 1 નવેમ્બરથી રાજ્યભરમાં નવો કાયદો લાગૂ થશે. જેને લઇ સુરત ટ્રાફિક પોલીસે 60 જેટલી અલગ અલગ જગ્યા પર ચેકીંગ માટેની ટીમો બનાવી દીધી છે.
કેન્દ્ર સરકાર દ્વારા નવો ટ્રાફિક નિયમન કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ, રાજ્ય સરકાર દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરી 31 ઓકટોબર સુધીની મુદત રાજ્યના લોકોને આપવામાં આવી હતી. જે આવતીકાલે પૂર્ણ થશે. નવા કાયદાના અમલ માટે સુરત પોલીસે 60 ટીમો બનાવી છે. આવતીકાલથી રોડ ઉપર કાયદાનો ભંગ કરનાર ઉપર સુરત ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે.
સુરત ટ્રાફિક પોલીસે કહ્યુ કે અત્યાર સુધી ગાંધીગીરી ભલે કરવામાં આવી હોય. પરંતુ, નવા કાયદાના અમલીકરણ બાદ શહેરીજનોને કોઈ પ્રકારની રાહત આપવામા આવશે નહીં. નવા કાનૂન પ્રમાણે દંડની રકમ વસુલવામાં આવશે. તમામ પોઇન્ટ પર કાયદાનો ભંગ કરનાર લોકો ઉપર પોલીસ બાજ નજર રાખશે. સાથે નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર લોકો સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.