સુરત: કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ સેવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. હરિભાઈ દામજીભાઈ સાપરિયાના પત્નીનું સુરતની જાણીતી મહાવીર હોસ્પિટલમાં હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ થયા બાદ હરિભાઈના પત્નીને હોસ્પિટલમાંથી બુધવારે સાંજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જો કે કોઈપણ ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હરિભાઈ હોસ્પિટલના સંચાલકોને વિનંતી કરી કે, હાલમાં લોકડાઉનને કારણે કોઈપણ વાહન મળી શકે તેમ નથી. જેથી તેઓના વેડ રોડ ખાતેના ઘર સુધી જવાની વ્યવસ્થા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કરી આપવામાં આવે. આવા સમયે મદદ કરવાના બદલે હોસ્પિટલના જવાબદારોએ નિર્લજતા પૂર્વક ઇનકાર કરતાં કહ્યું હતું કે, દર્દીને લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. ડિસ્ચાર્જ કરી ઘરે જવા માટે નહીં, આમ હોસ્પિટલ આ કપરા સંજોગોમાં વૃદ્ધ દંપતીને પોતાની જાતે વ્યવસ્થા કરી દેવાનું જણાવ્યું હતું.
વૃદ્ધ દંપતીની મદદ કરવા હોસ્પિટલે ના પાડી તો સુરત પોલીસ વ્હારે આવી હરિભાઈએ ત્યારબાદ મુખ્ય પ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેમને નજીકમાં આવેલા અઠવાલાઇન્સ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું. હરિભાઈ એક કિલોમીટર ચાલી અઠવા વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકી પર પહોંચ્યા હતા. આ સમયે ફરજ પર હાજર ટ્રાફિક વિભાગના એસીપી હરેશ મેવાડાને તેઓ મળ્યા હતા. ગભરાયેલા અને દુઃખી હરિભાઈ રડી રહ્યાં હતાં જેથી પોલીસ અધિકરીએ તેમને પાણી પીવડાવી મુશ્કેલી જણાવવા કહ્યું હતું.
મેવાડા અને અન્ય પોલીસ અધિકારીએ હરિભાઈની આખી વાત સાંભળી હતી. લોકડાઉન સમયે હરિભાઈની સ્થિતિ સમજી ગયેલા એસીપી હરેશ મેવાડા તરત જ પોતાની સરકારી ગાડીમાં હરિભાઈને બેસાડ્યા હતા અને મહાવીર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મહાવીર હોસ્પિટલ પહોંચ્યા બાદ હરિભાઈ અને તેમના પત્ની બંનેને હરેશ મેવાડાએ પોતાની સરકારી ગાડીમાં બેસાડી વેડ રોડ ખાતેના ઘરે જવા રવાના કર્યા હતા. એક તરફ લોકડાઉન સમયે પોલીસ લોકોને ઘરમાં રહેવા માટે સતત સમજાવી રહી છે બીજી તરફ લોકો સતત ઘરની બહાર નીકળી ગયા છે અને પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે.
ત્યારે આવા સમયે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને પોલીસ દ્વારા પોતાની ફરજ ઉપરાંતના કામ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે. પરંતુ હોસ્પિટલના સંચાલકોએ આવા સમયે માનવતાને જરૂરથી સરમાવી હતી.