અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલી શિરડી ધામ સોસાયટીમાં એક મકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રેડ પાડી એક મકાનમાંથી રૂપિયા 18.18 લાખનો 300 કિલો ગાંજો સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરત પોલીસે 300 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ કરી
સુરત: શહેરમાં ગાંજા માફિયા હવે મોટી માત્રામાં ગાંજો ઓરિસ્સાથી સુરત લાવી રહ્યા છે. રેલવેમાં પોલીસનું દબાણ વધતા હવે ગાંજો બાય રોડ લાવવામાં આવી રહ્યો છે. જેની માહિતી મળતા પોલીસે બે લોકોને રૂપિયા 18.18 લાખનો 300 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે.
આમ, તો સુરત રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ગાંજો ઓરિસ્સાથી આવતો હતો. સપ્લાયર ટ્રેનથી ગાંજો મોકલતા હતા પરંતુ રેલવે પોલીસનું દબાણ વધતા ટ્રકમાં ઓરિસ્સાથી ગાંજો લઈને આવી એક મકાનમાં સંતાડી દેવાયો હતો.
આ મકાનમાંથી કાર્તિક ઉર્ફે સલમાન ગંગાધર સ્વાઈ અને સાગર ઉર્ફે બુટુ જગા બીસ્વાલને પકડવામાં આવ્યા છે. જ્યારે રાજુ નામનો શખ્સ ફરાર થઇ જતાં તેને અમરોલી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં કાર્તિક ઉર્ફે સલમાન ગાંજાનો મુખ્ય સપ્લાયર છે અને તે આ મકાનમાં ગાંજાનું ગોડાઉન બનાવી છૂટકમાં નાના સપ્લાયરોને વેચાણ કરતો હતો.