- 700 વર્ષ પૌરાણિક છે બારડોલીનું કેદારેશ્વર મહાદેવ મંદિર
- 2010માં બનાવવામાં આવ્યું હતું ભવ્ય મંદિર
- 11મા પાટોત્સવની ઉજવણી કરાઇ
સુરત : બારડોલી નજીક આવેલા ખલી ગામ ખાતે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ શનિવારના રોજ યોજાયો હતો. વર્તમાન વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ સાદગીપૂર્વક માત્ર ભુદેવોની હાજરીમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય કોઈ જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. દક્ષિણ ગુજરાતમાં પૌરાણિક ધાર્મિક તીર્થસ્થળ બારડોલી ધૂલીયા હાઈવે પર ખલી ગામની સીમમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર 700 વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે.
જાણો શું છે મંદિરથી જોડાયેલી લોક વાયકા?
લોક વાયકા મુજબ તે સમયે આ જગ્યા પર ગૌચર હતું. આથી આજુબાજુના ગામના ગોવાળો ગાયો ચરાવવા માટે આવતા હતા. જેમાંથી એક ગાય રોજ એક જ જગ્યાએ દૂધની સેર વહેડાવતી હતી. ગોવાળો રોજ ગાયને આપમેળે જ દૂધની સેર વહેડાવતા જોતાં અચરજ પામ્યા હતા. એક દિવસ ત્યાં એક ગોવાળને સ્વપ્નમાં શિવજીએ દર્શન આપ્યા અને તે જગ્યાએથી બહાર કાઢવા જણવ્યું હતું. જે બાદ તે સ્થાને ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું હતું. શિવલિંગ નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવવા લાગ્યા હતા. જે બાદ એક નાનકડું મંદિર બનાવી શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગ આજે પણ મંદિરમાં મોજૂદ છે.