એક મહિનાથી ગ્રામજનોને ગભરાવી દીધેલાં સુરત : પલસાણાના વણેસા ગામમાં છેલ્લા એક મહિનાથી જોવા મળી રહેલા દીપડાઓ પૈકી એક દીપડી પાંજરે પુરાઇ છે. વન વિભાગે દીપડીનો કબ્જો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે. દીપડીને માઇક્રોચિપ લગાવીને તાપી જિલ્લાના સોનગઢના જંગલમાં છોડવામાં આવશે.
વણેસા ગામથી બેથી અઢી વર્ષની દીપડી પકડાઇ છે. હાલ તેને કણાવ નર્સરી ખાતે રાખવામાં આવી છે. દીપડીને માઇક્રોચિપ લગાડીને રાત્રે સોનગઢના જંગલમાં છોડવામાં આવશે...ડી. આર. ડાંભલા (આરએફઓ, પલસાણા વન વિભાગ )
એક મહિનાથી નજરે પડતી હતી :સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા (પિસાદ) ગામથી અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઇ છે. છેલ્લા એક મહિનાથી ખેતરાડી વિસ્તારમાં દીપડાઓ ફરી રહ્યા છે. જે પૈકી એક દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાલ રાહતનો શ્વાસ લીધો છે.
ફૂટ માર્ક જોતાં એક મોટો દીપડો અને એક દીપડી હોવાનું સામે આવ્યું હતું. દરમ્યાન લાંબા સમય પછી પણ દીપડો પીંજરામાં નહીં આવતા વણેસા ગામની સીમમાં હરીશભાઇ રમેશભાઈ પટેલના ખેતર પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બુધવારે વહેલી સવારે એક અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડીનો કબ્જો મેળવ્યો હતો અને કણાવ સ્થિત નર્સરી ખાતે લઈ જવામાં આવી હતી. પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક તપાસ કરાવ્યા બાદ ઉપરી અધિકારીની સૂચના મુજબ દીપડીને જંગલમાં છોડવામાં આવશે. જતીન રાઠોડ (પ્રમુખ, ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ )
ગ્રામજનોમાં ગભરાટ હતો : પલસાણા તાલુકાનાં પિસાદ અને વણેસા ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડો નજરે પડતો હોય ગ્રામજનોમાં ભારે ગભરાટ હતો. ખેડૂતો પણ ખેતરે જતાં ડરી રહ્યા હતા. પિસાદના ગૌચર ફળિયામાં થોડા દિવસ પહેલા જ મુકેશભાઇ હળપતિના વાડામાં ઝાડ પર બેસેલા પાંચ મરઘાંનો શિકાર કરી ગયો હતો. ત્યારબાદ ભીમાડા ફળિયાના શંકરભાઈ સોમાભાઈ હળપતિને ત્યાંથી પણ બે મરઘાંનું મારણ કર્યું હતું.
વનવિભાગને જાણ કરતા પાંજરું ગોઠવ્યું : ગામમાં દીપડાના ફેરા વધી જતાં ગ્રામજનોએ આ અંગે પલસાણા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ગત 16મી સપ્ટેમ્બરના રોજ ભીમાડા ફળિયામાં પીંજરુ ગોઠવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ અને તેમની ટીમે વન વિભાગ સાથે મળી સ્થળ પર તપાસ કરતાં બે અલગ અલગ દીપડાના ફૂટ માર્ક જોવા મળ્યા હતાં. ફૂટ માર્ક જોતા એક દીપડો અને એક દીપડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
- Surat News: મોરીઠા ગામે આંટાફેરા મારી રહેલો દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો
- Leopard caged : માંગરોળ તાલુકામાં દીપડો પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો
- Leopard: ચીખલીના મજીગામ ખાતે અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ