સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વધુ એક વાર કેમિકલ ગળતરની ઘટના સામે આવી હતી. પાનસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બંધ કંપનીના ગોડાઉનમાં કેમિકલ ગળતરની ઘટના સામે આવી હતી. ઘટનાની સાંપડેલી વિગતો અનુસાર ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલા જ્વલનશીલ કેમિકલના પાઉડર ઉપર વરસાદી પાણી પડતા આસપાસના વિસ્તારમાં રસાયણયુક્ત ધુમાડો ફેલાયો હતો. જેની અસરના કારણે આસપાસ વિસ્તારમાં કામ કરી રહેલા લોકોના શ્વાસ રુંધાવા લાગ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને લઈને કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ અમોને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેને લઇને જરૂરી સાધન સામગ્રી લઈને અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. સાવચેતીના પગલાં લઇ પોલીસ દ્વારા લોકોની અવર જવર માટે રસ્તો પણ બંધ કરી દીધો છે.હાલ કામગીરી શરૂ છે...પી. બી. ગઢવી (સુરત જિલ્લા ફાયર ઓફિસર)
કોસંબા પોલીસે સ્થળ પર પહોંચી : કંપની તરફ જતા માર્ગ ઉપર બેરિકેડ મૂકી રસ્તો અવરજવર માટે બંધ કરી દીધો હતો. આ સાથે પોલીસે જાણ કરતાં કોસંબા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. જ્વલંતશીલ કેમિકલ હોવાને કારણે ફાયર વિભાગની ટીમના જવાન બ્રિધિંગ કીટ સાથે કંપનીના ગોડાઉનમાં પહોંચ્યાં હતાં. કેમિકલ ગળતરની આ ઘટનાને પગલે સુરત જિલ્લા તંત્ર દોડતું થઇ ગયું હતું.
રેતી નાંખી ધુમાડો કાબૂમાં લેવાયો : કેમિકલ પાવડરમાંથી નીકળતાં જ્વલનશીલ ધુમાડાને કન્ટ્રોલ કરવા માટે ગોડાઉન નજીકથી રેતી લાવીને તેના પર નાખવામાં આવી હતી ત્યારે થોડા સમયમાં ધુમાડા પર કાબૂ મેળવી લેવાયો હતો. મહત્વનું છે કે એક માસ અગાઉ જ આજ ગોડાઉનમાં ગેસ ગળતરથી ગૂંગરામણના કારણે 4 જેટલા કામદારના મોત નિપજ્યા હતા. જેને લઈને પોલીસે કંપની સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. જેને પગલે હાલ આ ગોડાઉન બંધ છે. જોકે ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ પાઉડરના જથ્થા પર વરસાદી પાણી પડતાં તે ધુમાડા સ્વરૂપે જ્વલનશીલ બન્યું હતું અને હવામાં ફેલાતા લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું સામે આવ્યું હતું.
- Bharuch News : જંબુસરની પીઆઇ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રોમીન કેમિકલ લીક, 15થી વધુ લોકોને અસર થતાં હોસ્પિટલ ખસેડાયાં
- Surat News: ઝેરી કેમિકલના કારણે 4 લોકોના મૃત્યુ, પોલીસે જપ્ત કર્યા 700થી વધુ ઝેરી કેમિકલ ડ્રમ
- Porbandar News : પોરબંદરમાં દરિયામાંથી મળેલું કેમિકલ પીતાં બેનાં મોત, પાંચ હોસ્પિટલમાં દાખલ