કડોદરા પોલીસની ગુંડાગીરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જીતુ પાટીલ નામનો યુવક પ્રકાશ પાટીલ સાથે સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સિવિલ ડ્રેસમાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રીનો સમય હોવાથી જીતુ ગભરાય ગયો હતો. એટલે તે ગાડી લઇને ભાગ્યો હતો. જીતુ પાટીલને ભાગતા જોઇને પોલીસકર્મી પણ તેની પાછળ ગયા હતા. ત્યારબાદ જીતુને પકડી બિભત્સ ગાળો બોલી ઢોર માર્યો હતો. જેથી તેના માથા અને મોંઢા પર ગંભીર ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત જીતુને સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તબીબે જણાવ્યું હતું કે, જો જીતુને આંખના ભાગે ગંભીર ઇજા થાત તો તેની આંખ ફૂટી જાત. આમ, કડોદરા પોલીસ મથકના પોલીસની દાદાગીરીના કારણે સામાન્ય નાગરીકને જીવવુ મુશ્કેલ બન્યું છે. પ્રજા પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે અને અસમાજિક તત્વો સામે રક્ષણ મેળવવા માટે પોલીસ પાસે જાય છે. પણ અહીં તો રક્ષક જ ભક્ષક બન્યો છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.