- ગત 19મીના રોજ ફૂટપાથ પર ડમ્પરે 14 શ્રમિકોને કચડી માર્યા હતા
- દસ લાખ રૂપિયા જેટલુ ફંડ એકત્રિત થશે
- જિલ્લાના દરેક પોલીસકર્મી એક દિવસનો પગાર આપશે
સુરત : કીમ ચાર રસ્તા ખાતે સ્ટેટ હાઇવે પર 19મીના રોજ થયેલા ગંભીર અકસ્માતમાં ભોગ બનેલા લોકોના પરિવારના બાળકોની મદદે સુરત જિલ્લા પોલીસ આવી છે. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા એક દિવસનો પગાર ઉપરાંત અન્ય જગ્યાએથી પણ ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. અંદાજિત દસ લાખ જેટલું ફંડ એકત્રિત થનાર હોવાનું જાણવા મળે છે.
સરકાર દ્વારા કરવામાં આવી હતી સહાય
ગત 19મી જાન્યુઆરીની મધ્યરાત્રિએ કીમ ચાર રસ્તા નજીક માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં એક ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા 20 મજૂરોને કચડી નાખ્યા હતા. જે પૈકી 14ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રાજસ્થાનના આ શ્રમિક પરિવારોને ગુજરાત સરકાર ઉપરાંત રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી.