પોલીસે બાઇક અને પાણીની મોટર જપ્ત કરી સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ખેતરમાં પાણીની ચોરી કરી બાઈક પર ભાગી રહેલા બે તસ્કરોને સ્થાનિક લોકોએ ઝડપી લીધા હતાં. ગાય ભેંસ બાંધવાની જગ્યા પર બન્ને તસ્કરોને બાંધી મુંડન કરી અડધી મૂછ કાપી નાખી બરોબર મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં કામરેજ પોલીસને કબજો સોંપ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બન્ને ચોરનો કબજો લીધો હતો. પકડાયેલ બે ચોરો પાસેથી એક બાઈક અને એક પાણીની મોટર કબજે કરાઈ છે. ખેડૂત નીતિનભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતે ફરિયાદ આપી છે. જે ફરિયાદના આધારે હાલ તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ બન્ને તસ્કરોનો ગુનાહિત ઇતિહાસ હજુ જાણવા મળ્યો નથી...આર. બી. ભટોળ (પીઆઇ, કામરેજ પોલીસ મથક)
કામરેજમાં ચોરીનો ઉપદ્રવ : સુરત જિલ્લામાં તસ્કરોના વધી ગયેલા ત્રાસને લઈને લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો પોતાના ઘર સાચવે તો તસ્કરો ખેતરમાં જઈને વીજ તાર, ખેતી વાડીના સાધનોની ચોરી કરી રહ્યા છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કામરેજ તાલુકામાં રંગે હાથ પકડાઈ ગયેલ બે તસ્કરોને ગ્રામજનોએ બરોબર મેથીપાક ચખાડ્યો હતો.
ધોળા દિવસે પાણીની મોટર ચોરી : કામરેજ તાલુકાના સેવણી ગામની સીમમાં ત્રણ તસ્કરો એક ખેતરમાંથી ધોળા દિવસે પાણીની મોટર ચોરી કરી ભાગી રહ્યા હતા તે આ તસ્કરોને એક ખેડૂત જોઈ જતાં તેઓએ તસ્કરોનો પીછો કર્યો હતો. ખાનપુર ગામના અન્ય ખેડૂતો અને યુવાનોની મદદથી ત્રણ પૈકી બે તસ્કરોને ઝડપી લીધા હતાં અને તેઓને બરોબર મેથીપાક ચખાડી ગાય ભેંસ બાંધવાની જગ્યા પર દોરડાથી બાંધી દીધા હતા અને બન્ને મુંડન કરી અડધી મૂછ કાપી નાખી હતી.
બંને ચોર પોલીસમાં સોંપાતાં વધુ તપાસ : ઝડપાયેલા બન્ને તસ્કરોની ગ્રામજનોએ વ્યવસ્થિત સરભરા કરી હતી અને બાદમાં સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બન્ને તસ્કરોનો કબજો લીધો હતો અને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસે બંને તસ્કરો પાસેથી એક બાઈક તેમજ પાણીની મોટર જપ્ત કરી હતી.અને તેઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને અત્યાર સુધીમાં કેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
- Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરાની શી ટીમે આપ્યો મેથીપાક
- ફિલ્મી ઢબે લૂંટ કરવા જતા જનતાએ મેથીપાક ચખાડ્યો
- બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિકોએ મોબાઈલ ચોરોને મેથીપાક ચખાડ્યો