સુરત : બોગસ કોન્ટ્રાક્ટર બની ONGC કંપનીના નામે 3 કરોડ રૂપિયાની ઠગાઈ થયાનો કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે 6 લોકો વિરુદ્ધ સુરત ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાક્ટમાં ભાગીદારી આપવાના નામે બોગસ દસ્તાવેજ બનાવી આરોપીઓએ ફરિયાદી સાથે 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. તમામ આરોપીઓએ પોતાની ઓળખ ONGC કંપનીના કોન્ટ્રાક્ટર તરીકે આપી હતી.
3 કરોડની ઠગાઈ : બનાવની મળતી વિગત અનુસાર સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે રહેતા 41 વર્ષીય બ્રિજેશભાઈ નારોલાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 6 જેટલા લોકોએ બોગસ કોન્ટ્રાક્ટર બની ONGC કંપનીમાં કોન્ટ્રાક્ટ આપવાના નામે 3 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 27 ઓક્ટોબર 2022 થી લઈને આજ દિન સુધીમાં 6 આરોપીઓએ તેમની પાસેથી 6 કરોડ રૂપિયા લીધા હતા. બ્રિજેશભાઈએ સાઉથ દિલ્હીના નૈમીખાન, પશ્ચિમ બંગાળના તુષાર ચૌધરી, મહારાષ્ટ્રના રિયાઝ શેખ, યુપીના વિરેન્દ્રસિંહ, બિહારના પંકજકુમાર ચૌધરી અને પશ્ચિમ બંગાળના વિવિધ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે.
બોગસ કોન્ટ્રાક્ટરના બોગસ પુરાવા : આ તમામ 6 આરોપીઓએ એકબીજા સાથે મળીને સુરતના સિંગણપોર કોઝવે વિસ્તાર ખાતે આવેલા સિલ્વર સ્ટોન ગેટમાં પોતાની જૈનમ કન્સ્ટ્રક્શન અને જૈનમ ONGC પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં ફરિયાદીને બોલાવ્યો હતો. આરોપીઓએ જણાવ્યું હતું કે, હજીરા ખાતે આવેલા ONGC લિમિટેડ કંપનીમાં તેમનો કોન્ટ્રાક્ટ ચાલે છે. જો તેમને કોન્ટ્રાક્ટમાં ભાગીદાર બનવું હોય તો તે માટે 3 કરોડ રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપીઓએ ઠગાઈ કરવા માટે ONGC લિમિટેડ કંપનીનો બોગસ કોન્ટ્રાક્ટર લેટર પણ બતાવ્યો હતો અને ત્રણ કરોડની રકમ તેઓએ લીધી હતી, જે પરત આપી નથી.
પોલીસ ફરિયાદ : આ સમગ્ર મામલે તપાસ કરનાર PSI પી.એમ. બારીયાએ જણાવ્યું હતું કે, ફરીયાદીની ફરિયાદના આધારે IPC કલમ 420, 465, 467, 468, 47, 120 બી 34 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમામ દસ્તાવેજની તપાસ પણ કરવામાં આવી રહી છે. ફરિયાદના આધારે હાલ તપાસ ચાલુ છે. બેન્ક સ્ટેટમેન્ટ સહિત અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે.
- Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ
- Surat Crime : જેલમાંથી ડ્રગ માફિયા સુબોધસિંગનો સુરતમાં કાળો કારોબાર, ટેલીગ્રામથી ઓર્ડર લઇ સુરતમાં મોકલ્યું લાખો રુપિયાનું ડ્રગ્સ