સુરત: ટેક્સટાઇલ સિટી સુરતમાં દરરોજ અઢી કરોડ મિટર કાપડનું ઉત્પાદન થતું હતું, પરંતુ જીએસટી બાદ આ ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. કોરોના કાળને લીધે હાલ પ્રતિદિન 50 લાખ મીટર કાપડનું ઉત્પાદન થઇ રહ્યું છે. વર્તમાનમાં મોટા ઓર્ડર અને બજારમાં કાપડની ડિમાન્ડ વધતા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ સૌથી મોટી સમસ્યા શ્રમિકોની અછતની પડી રહી છે.
કોરોના કાળ અને લોકડાઉનમાં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જતા રહ્યા હતા. અત્યાર સુધી મોટાભાગના શ્રમિકો પરત આવ્યા નથી. આ શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના છે. જો કે, ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેન હોવાના કારણે ઘણા શ્રમિકો આ રાજ્યોથી સુરતમાં આવી પહોંચ્યા છે. પરંતુ અત્યાર સુધી ઓડિશાથી સુરત માટે એક પણ ટ્રેન નથી. જેથી વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં 90 ટકા ઓડિશાના શ્રમિકો કાર્યરત હોવાથી વિવર્સ એસોસિએશને આ શ્રમિકોને પરત બોલાવવાની માગ કરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ મરણ પથારીએ પડેલા છે, જેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર લખીને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા અનુરોધ કરી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની માગણી કરવામાં આવી છે.
- સુરત ઉદ્યોગપતિઓએ રેલવે પ્રધાનને પત્ર લખી ઓડિશાથી શ્રમિક ટ્રેનો શરૂ કરવાની માગ કરી
- કોરોના કાળમાં પ્રતિ દિવસ 50 લાખ મીટર કાપડનું જ ઉત્પાદન
- ઉદ્યોગોમાં શ્રમિકોની અછત