આત્મહત્યા પાછળનું કારણ બીજું નીકળ્યું સુરતઃશહેરમાં દિવસે દિવસે આત્મહત્યા ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ નાનીનાની વાતે આત્મહત્યા સુધીનું પગલું ભરી લેતા જોવા મળી રહ્યા છે. તેવામાં આજે (બુધવારે) શહેરમાં રહેતી 17 વર્ષીય ધોરણ 12 આર્ટ્સમાં ભણતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે સચિન પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. સાથે જ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃHostel girl suiside: ધોરાજીની ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
17 માર્ચના રોજ ધોરણ 12ની પહેલી પરીક્ષા હતીઃઆ બાબતે મૃતકનાં ભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેન ધોરણ 12માં ભણતી હતી. 17 માર્ચે તેની પહેલી પરીક્ષા હતી. જોકે, મારી બહેને પરીક્ષાના કારણે આત્મહત્યા નથી કરી, પરંતુ છોકરા જોડે વાત ન કરવાની વાતને લઈને આત્મહત્યા કરી છે. તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મને છોકરા જોડે વાત નથી કરવા દેતા, જેથી મેં આ પગલું ભર્યું છું. જોકે, આ પહેલા 5-6 મહિના પહેલા આ બાબતની પરિવારને જાણ થઈ ગઈ હતી. ત્યારે આજે મારી બહેને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે મારા કાકાની છોકરી બોલાવવા આવી ત્યારે મને ખબર પડી હતી.
મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયોઃઆ અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈએ જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 2 વાગ્યે બની હતી. અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે અમને આ બાબતની જાણ કરવામાં આવી હતી, જેથી અમે મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
માતાએ મૃતકને અભ્યાસમાં ધ્યાન આપવા વારંવાર ટકોર કરી હતીઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાનું 13 વર્ષ પહેલાં કુદરતી મોત થયું હતું. ત્યારે કિશોરીની માતા અને નાની ઘરે ઘરે જઈ કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા હતા. એમ કરીને તેમણે દિકરીને મોટી કરી હતી. જોકે, બોર્ડની પરીક્ષા નજીક આવતા માતાએ મૃતક વિદ્યાર્થિનીને અભ્યાસમાં ધ્યાન આપવા વારંવાર ટકોર કરી હતી. સાથે જ મોબાઈલ સાઈડમાં મૂકીને અભ્યાસ કરવાનું કહ્યું હતું, પરંતુ મૃતકને એક છોકરા સાથે પ્રેમ હોવાથી કિશોરી તેની સાથે વાત કરતી હતી. જોકે, પરિવારના કહેવા છતાં તેમણે આ વાતનું ખોટું લાગી આવ્યું હતું. તેમની બહેન પણ ધોરણ 12માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષાને લઈને ખૂબ જ ગંભીર હતી, જેથી તેઓ પરીક્ષાની તૈયારીઓ કરતા હતા.
કિશોરી આત્મહત્યા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હતીઃતેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલાં જ તેમની બહેને મૃતકને જોઈ હતી. ત્યારબાદ તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. કિશોરીએ આત્મહત્યા પહેલાં સ્યુસાઈડ નોટ પણ લખી હતી. હાલ, આ મામલે સ્યુસાઈડ નોટ કબ્જે લઇ આગળની તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃNavsari crime news: પાલનહાર માતા પિતાએ બાળકોની હત્યા કરી પોતે પણ કરી લીધો આપઘાત
માતાનું સપનું સપનું જ રહી ગયુંઃઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તમામ વાલીઓ પોતાના બાળકો સારી રીતે પાસ થાય તે માટે તેઓ પોતાના બાળકો પાછળ લાગી જતા હોય છે. વારંવાર અભ્યાસમાં ધ્યાન આપવા માટે ટકોર પણ કરતા રહે છે. ત્યારે વિદ્યાર્થીઓએ ઘણું બધું શીખવા જેવું છે. આ ઘટનામાં વિદ્યાર્થીનીનાં માતાનું સપનું સપનું બનીને રહી ગયું.