સુરત: કોરોના વાઈરસ અને અગાઉ થયેલા લોકડાઉનના કારણે મધ્યમથી- ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ જ દયનિય બની છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ધંધા-વેપારને પણ મોટો ફટકો પડયો છે. પરંતું આવી પરિસ્થિતિમાં પણ સુરતમાં જુગારધામ ધમધમતું હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસના નાક નીચે ચાલતા જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દરોડા પાડી શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે.
સુરત પોલીસ ઊંઘતી હતી અને સ્ટેટ વિઝીલેન્સે માથાભારે આસીફ ગાંડાના જુગરધામ પર રેડ કરી સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં બેરોકટોક ધમધમતા જુગાર ધામની સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધાં ન આવી તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જો કે છેક ગાંધીનગર સ્ટેટ વિજિલન્સએ મહિધરપૂરા ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડવાની ફરજ પડી છે. સ્ટેટ વિજિલન્સ ટીમે વહેલી સવારે ચાલતા મોટા જુગારધામ પર દરોડાની કાર્યવાહી હાથ ધરતાં 80 થી વધુ જુગારીઓ રંગેહાથ જુગાર રમતા મળી આવ્યા હતા. જ્યારે જુગારની ક્લબ ચલાવનાર મુખ્ય ભેજાબાજો ભાગવામાં સફળ રહ્યા હતાં.
સ્ટેટ વિજિલન્સની એન્ટ્રીની ગંધ આવતા જ મહિધરપુરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેડની કાર્યવાહી હાથ ધરી હતી. મહિધરપુરા પોલીસ દ્વારા પણ કેટલાક જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારીના ચાલી રહી છે. બીજી બાજુ રાત્રીના દસ વાગ્યા બાદ કરફ્યૂ લાગુ કરી દેવામાં આવે છે ત્યાં મહિધરપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ અંગે સ્થાનિક પોલીસ કઈ રીતે અજાણ રહી ગઈ તે વાત ગળે ઊતરે તેમ નથી.
સૌથી મહત્વની વાત તો એ છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન અહીંથી મોટી સંખ્યામાં જુગારીઓ મળી આવ્યા છે. જે પરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલી મોટી માત્રામાં અહીં જુગારધામ ધમધમી રહ્યું હતું. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા પાડવામાં આવેલી રેડ બાદ સ્થળ પરથી લાખોનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે. જ્યારે તમામ જુગારીઓની ધરપકડ કરી આ અંગેની ફરિયાદ સ્ટેટ વિજિલન્સ દ્વારા મહિધરપુરા પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. તો સાથે જ મોટાપાયે જુગાર ધામ ચલાવનાર આસિફ ગાંડા નામનો શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આસિફ ગાંડો આટલા લાંબા સમયથી અહીં જુગારધામ ચલાવી રહયો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. જેથી સુરતની ત્રણ અલગ-અલગ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. પોલીસ જુગાર ધામ પર આવે તો તેની ઉપર વોચ રાખવા દરેક ગલીમાં સીસીટીવી કેમરા ગોઠવવામાં આવ્યા હતા.
આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે રાજ્ય પોલીસ વડા કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જોવું રહ્યું. હિસ્ટ્રી શીટર આસીફ પર અનેક પોલીસ ફરિયાદ છે તેમ છતાં ખુલ્લેઆમ જુગરધામ ચલાવે છે. કોરોના મહા બીમારી વચ્ચે આટલી મોટી જુગારની ક્લબ ચાલતી હોય અને વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે છે સ્થાનિક પોલીસ અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાંચની નાકામી જોવા મળે છે.