- બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની બેઠક મળી
- ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાય પ્રથમ બેઠક
- પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
- સહકાર પેનલને 15માંથી 13 બેઠક પર મળી હતી જીત
બારડોલી : શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સહકાર પેનલના વિજય બાદ ગુરુવારે બારડોલી ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રમણલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલની પુનઃ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. એશિયાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી ગત 28મી નવેમ્બરના રોજ યોજાયા બાદ કાયદકીય ગૂંચને કારણે મતગણતરી એક મહિના બાદ થઈ શકી હતી. ગત શનિવારના રોજ યોજાયેલી મતગણતરીમાં ચાલુ પ્રમુખ રમણલાલ પટેલની સહકાર પેનલે 15માંથી 13 બેઠકો પર જીત પ્રાપ્ત કરી બારડોલી સુગર ફેક્ટરીમાં શાસન જાળવી રાખ્યું હતું.
બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ તરીકે રમણલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાવેશ પટેલની વરણી
એશિયાની સૌથી મોટી ગણાતી સહકારી ક્ષેત્રની બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની બેઠક મળી હતી. જેમાં પ્રમુખ તરીકે રમણલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાવેશ પટેલની પુનઃ વરણી કરવામાં આવી છે. બંનેની બિનહરીફ વરણી થતાં શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નવા ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં સર્વાનુમતે વરણી
આ દરમિયાન ગુરુવારે બારડોલી સુગર ફેક્ટરીના બોર્ડ રૂમમાં બારડોલી સુગર ફેક્ટરીના ચૂંટણી અધિકારીએ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટાયેલા સભ્યોની બેઠક બોલાવી હતી. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખ વરણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નવા ચૂંટાયેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રમણલાલ પટેલ પ્રમુખ અને ભાવેશ પટેલની ઉપપ્રમુખ તરીકે દરખાસ્ત કરવામાં આવી
સભામાં સંસ્થાના પ્રમુખ તરીકે રમણલાલ સુખાભાઈ પટેલ (ખરવાસા)ના નામની દરખાસ્ત ભાવેશભાઈ નગીનભાઈ પટેલે કરી હતી. જેને ઉપસ્થિત વ્યવસ્થાપક સમિતિ સભ્ય નટવરભાઈ પ્રેમાભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા રમણલાલ પટેલને ફરી એક વખત સુગર ફેક્ટરીના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ નગીનભઇ પટેલ(બાબેન)ના નામની દરખાસ્ત પરિમલભાઈ બળવંતભાઈ પટેલ (એના)એ કરી હતી. જેને જયંતિભાઈ ભૂલાભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો. અન્ય દરખાસ્ત નહીં આવતા ભાવેશભાઈ પટેલ સતત બીજી વખત સંસ્થાના ઉપપ્રમુખ જાહેર થયા હતા. બેઠકમાં સુગર ફેક્ટરીના ડિરેક્ટર અને રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમાર, અનિલભાઈ પટેલ સહિત નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ બારડોલી સુગર ફેક્ટરીના એમડી પંકજ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલી સુગર ફેક્ટરીના 65 વર્ષના ઇતિહાસમાં રમણલાલ પટેલનો 25 વર્ષ પ્રમુખ રહેવાનો રેકોર્ડ
રમણલાલ સૂખાભાઈ પટેલે બારડોલી સુગર ફેક્ટરીના 65 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ સમય એટલે કે 25 વર્ષ માટે પ્રમુખ પદ પર રહેવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેઓ વર્ષ 2005થી સતત 15 વર્ષ સુધી પ્રમુખ રહેવાની સાથે હવે આગામી પાંચ વર્ષ માટે પણ તેઓ પ્રમુખ પદ માટે બિરાજમાન થયા છે. એટલું જ નહીં તેઓ 1989થી 1999 સુધીના દસવર્ષના ગાળા દરમ્યાન પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. આમ તેઓ 25 વર્ષ બારડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે સેવા આપી છે અને હજી પણ તેમની સેવા ચાલુ જ છે. તેમના પ્રમુખ પદ દરમ્યાન સુગર ફેક્ટરીએ અનેક ઉતાર ચઢાવ જોયા છે અને તેને સુપેરે પાર પાડવામાં તેઓ હંમેશા સફળ રહ્યા હોવાનું સભાસદોએ જણાવ્યુ હતું.
બારડોલી સુગર ફેક્ટરીના ઇતિહાસમાં પ્રથમ વખત ઉપપ્રમુખ રિપીટ
બારડોલી સુગર ફેક્ટરીમાં આજે વધુ એક ઇતિહાસ રચાયો હતો. એવું કહેવાય છે કે બારડોલી સુગર ફેક્ટરીમાં એક વખત ઉપપ્રમુખ બન્યા બાદ બીજી વખતની ચૂંટણીમાં તે ઉમેદવારી નથી કરી શકતા અથવા તો ઉમેદવારી કરે તો તે હારી જાય છે. આમ ઉપપ્રમુખ કોઈ દિવસ જીતીને નવી સમિતિમાં આવી શક્યા નથી. પરંતુ 2020ની ચૂંટણીમાં આ વાયકાને ખોટી પાડી છે. ઉપપ્રમુખ ભાવેશ પટેલે આ વખતે ઉમેદવારી પણ નોંધાવી હતી અને તેઓ જંગી બહુમતી સાથે ચૂંટાય આવ્યા હતા અને આજે ફરી વખત તેમની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
બારડોલી સુગર ફેક્ટરીના અત્યાર સુધીના પ્રમુખો
નામ | વર્ષ |
ગોપાળભાઈ રણછોડજી પટેલ | 1955 થી 1969 |
નારણજીભાઈ લાલાભાઈ પટેલ | 1969 થી 1972 |
લલ્લુભાઈ પરભુભાઈ પટેલ | 1972 થી 1982 |
ભીખાભાઇ જેઠાભાઈ પટેલ | 1982 થી 1984 |
ઈશ્વરભાઈ નરોત્તમભાઈ પટેલ | 1984 થી 1989 |
રમણલાલ સુખાભાઈ પટે | 1989 થી 1999 |
ઈશ્વરભાઈ નરોત્તમભાઈ પટેલ | 1999 થી 2004 |
રમણલાલ સુખાભાઈ પટેલ | 2005થી ચાલુ |