- બારડોલીમાંથી 20 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝબ્બે
- બારડોલી નગરપાલિકાની શાકમાર્કેટમાં કાર્યવાહી
- શાકભાજી વિક્રેતાને નગરપાલિકાએ રૂ. 800 દંડ ફટકાર્યો
બારડોલીઃ બારડોલી નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક કબજે કરવાનું અભિયાન ચલાવ્યું હતું, જે અંતર્ગત શાકભાજી માર્કેટમાં કાર્યવાહી કરી હતી. નગરપાલિકાની ટીમે અલગ-અલગ શાકભાજી માર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 20 કિલો જથ્થો કબજે કર્યો હતો. આ સાથે વેપારીઓને દંડ પણ ફટકાર્યો હતો. બારડોલીના બજારમાં વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ, પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે. બારડોલીમાં વધી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ નગરપાલિકાએ મંગળવારે અભિયાન ચલાવ્યું હતું.
બારડોલી નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી, 20 કિલો પ્લાસ્ટિક જપ્ત હજી પણ શાકભાજી વિક્રેતાઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કરી રહ્યા છે ઉપયોગ
બારડોલીના લીમડાચોક વિસ્તાર ઉપરાંત શિશુ મંદિર સ્કૂલ પાસે આવેલા શાકભાજી માર્કેટ, ગાંધી હોસ્પિટલની સામે આવેલી શાકભાજી માર્કેટ સહિતની શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટ અને બજારમાં પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિશેષ અભિયાન દરમ્યાન લગભગ 20 કિલો જેટલી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી જપ્ત કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના રાજેશ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર લોકો પાસેથી અંદાજિત રૂ. 800ના દંડની વસૂલાત પણ પાલિકાએ કરી હતી. પાલિકાની અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.