સુરત : મોદી અટકને લઈ વિવાદિત મામલે સુરત કોર્ટે દોષી ઠહેરાવ્યા બાદ બે વર્ષની સજા રાહુલ ગાંધીને થઈ છે. તેઓએ પોતાની સાંસદ સદસ્યતા પણ ગુમાવી છે. સજાની વિરુદ્ધમાં કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી બે પિટિશન દાખલ કરવામાં આવી છે. જેને લઈ તેઓ સુરત આવ્યા હતા. આ વચ્ચે જ્યાં પાર્ટીના નેતાઓ રાજકીય સપોર્ટ રાહુલ ગાંધીને આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી પોતાના ભાઈને ઈમોશનલ સપોર્ટ આપવા માટે પળેપળ સાથે રહ્યા હતાં.
સુરત શા માટે આવ્યાં : ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મોદી સરનેમ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાં તેઓ જામીન પર હતા. રાહુલ ગાંધી તરફથી આજે સેશન્સ કોર્ટમાં બે પિટિશન દાખલ કરવામાં આવી છે. આ માટે પોતે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા. રાજકીય સપોર્ટ આપવા માટે રાજસ્થાન, છત્તીસગઢ , હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમાં અભિષેક સિંઘવી, દિગ્વિજયસિંહ સહિત મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ અને અન્ય રાજ્યોના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે પ્રિયંકા ગાંધી પોતાના ભાઇ રાહુલના મોરલ અને ઇમોશનલ સપોર્ટરની મોટી ભૂમિકા નીભાવતાં જોવા મળ્યાં હતાં.
આ પણ વાંચો Rahul Gandhi Appeal: સુરત કોર્ટમાં સજાને પડકારવા પહોચ્યા રાહુલ ગાંધી, પ્રિયંકા પણ દેખાયા લડવાના મૂડમાં
ફ્લાઈટમાં રાહુલ ગાંધીની સાથે : રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ ફ્લાઈટમાં પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે બેસીને સુરત એરપોર્ટ આવ્યા હતાં. એરપોર્ટથી તેઓ કોઈ ખાસ કારમાં નહીં પરંતુ એક પ્રાઇવેટ બસમાં બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સાથે સુરત કોર્ટ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી ફ્લાઈટમાં રાહુલ ગાંધીની સાથે જ જોવા મળ્યા હતા. એટલું જ નહીં જ્યારે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતાં ત્યારે એરપોર્ટથી સુરત કોર્ટ પહોંચવા માટે જે બસ હાજર હતી તેમાં પણ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતાં.
ભાઇ રાહુલનો મજબૂત ટેકો બહેન પ્રિયંકા
લોકોને હાથ બતાવી અભિવાદન : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને એકસાથે બસમાંથી ઉતર્યા અને કોર્ટરૂમ પહોંચ્યા હતાં. કોર્ટરૂમમાં પણ ભાઈ રાહુલ સાથે પ્રિયંકા ગાંધી હાજર હતા. રાજકીય સપોર્ટ આપવા માટે એક બાજુ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા સુરત આવી પહોંચ્યા હતા, લીગલ ટીમ પણ દિલ્હીથી આવી હતી તેમ છતાં પ્રિયંકા ગાંધી ભાઈને એકલા છોડવા માંગતા ન હતા. ભાઈને ઈમોશનલ સપોર્ટ આપવા માટે પળેપળ પ્રિયંકા ગાંધી સાથે હતા. જ્યારે બંને બસથી ઉતર્યા ત્યારે બોડી લેંગ્વેજની વાત કરવામાં આવે તો એકદમ સહજ ભાવમાં બંને જોવા મળ્યાં હતાં. કોર્ટ જતી વખતે રાહુલ ગાંધીએ ત્યાં હાજર વકીલો અને લોકોને હાથ બતાવી અભિવાદન પણ કર્યું હતું.
આ પણ વાંચો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં ડરો મતના લાગ્યા પોસ્ટરો
પોસ્ટરોના મધ્યમાં પ્રિયંકા ગાંધી : સુરત શહેરમાં રાહુલ ગાંધીના આગમન પહેલા ઠેર ઠેર બેનર અને પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં સત્યમેવ જયતે અને ડરો મત લખવામાં આવ્યું હતું. પરંતુ સૌથી અગત્યની વાત આ છે કે કેટલાક પોસ્ટરોના મધ્યમાં પ્રિયંકા ગાંધીની તસ્વીર લાગી હતી. જેને જોઈ સ્પષ્ટ રીતે કહી શકાય કે રાહુલ ગાંધીના આ કપરા સમયમાં તેમની બહેન સાથે છે એ કોંગ્રેસ દર્શાવવા માંગે છે.