ખેતી બાદ અમરેલી જિલ્લામાં લોકો હીરા ઉદ્યોગ પર વધુ પડતા નિર્ભર છે, પરંતુ છેલા 5-7 વર્ષથી હીરામાં ભારે મંદી આવી જતાં નાના હીરાના કારખાનાઓ ભાંગી પડ્યા છે. જે રત્નકલાકારો રોજના 500 રૂપિયા રળતાં તે હવે સાડીમાં ટીકા ટાંકવાનું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. હીરાના કામ સાથે આર્થિક મંદીના મોજાએ સાડીને ટીકા મારતા કરી દેનાર કારીગરો ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. ત્યારે મંદીના કારણે બે બે ધંધા કરીને પરિવારનું ગુજરાન ચલાવનારા કારીગરે ગળગળા સ્વરે પોતાની આપવીતી જણાવી હતી.
હિરા ઉદ્યોગમાં મંદીઃ અમરેલીના રત્નકલાકારોને ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ
અમરેલીઃ સુરત બાદ હિરા ઉદ્યોગનું હબ ગણાતું અમરેલી વર્તમાન સમયમાં મંદીના મારને કારણે ભાંગી ગયું છે. 800 કરોડનું ટર્નઓવર ધરાવતા હીરા ઉદ્યોગના 500 જેટલા નાના કારખાનાઓ બંધ થઈ ગયા છે. ત્યારે રત્ન કલાકારો અને કારખાનાના માલિકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે.
હિરા ઉદ્યોગમાં મંદી
હીરો તૈયાર થઈને મોટાભાગે વિદેશોમાં એક્સપૉર્ટ થાય છે, પણ વૈશ્વિક મંદીના મોજાથી હીરાનો વેપાર ધંધો ઠપ્પ થઈ ગયો છે. 1 હજારથી વધારે કારખાનાઓમાંથી 500 કારખાનાઓ બંધ થઈ ગયા છે. તો આશરે10 થી 20 હજાર હીરાના કારીગરો બેકારીના ખપ્પરમાં ધકેલાયા છે. ત્યારે અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિત ઠુંમર જણાવ્યું હતું કે, હીરાનો ઉધોગ ભાંગી ગયો છે તો રાજ્ય સરકારે આ કારીગરો માટે કંઈક ખાસ પેકેજની જાહેરાત કરવી જોઈએ.