સુરત : જન્માષ્ટમીના તહેવારની એક દિવસની વાર છે ત્યારે શહેરમાં આઠમની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ બજારોમાં કાન્હાના વાઘા સહિત કાન્હાને પારણે ઝૂલાવવા માટે અલગ અલગ ઝૂલાઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. ખાસ કરીને લાકડાના વેસ્ટમાંથી બનાવેલ ઝૂલાની ડિમાન્ડ વધુ જોવા મળી છે. વજનમાં હલકા અને કિંમત પણ ઓછી હોવાના કારણે લોકો હાલ આ પ્રકારના ઝૂલા પસંદ કરી રહ્યા છે.
લાકડાના વ્હેરમાંથી બનેલા ઝૂલા : જન્માષ્ટમીને લઈને બજારમાં વિવિધ પ્રકારના ભગવાનના વાઘા સહિત અલગ અલગ ઝૂલાઓ જોવા મળી રહ્યા છે. એન્ટિક ઝૂલાથી લઈને લાકડાના ઝૂલાઓ બજારમાં જોવા મળે છે. જો કે આ વખતે લોકોએ મોંઘા ઝૂલાના બદલે લાકડાના વ્હેરમાંથી બનાવેલ ઝૂલા લેવાનું પસંદ કર્યું છે. 50થી 60 અલગ અલગ પાર્ટ જોડીને છથી લઇ એક ફૂટ સુધીના આ લાકડાના વ્હેરમાંથી તૈયાર થયેલા બેસ્ટ ઝૂલા બનાવી શકાય છે. ભગવાનની ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી પણ કરવાનો આ સંદેશ ઝૂલા આપી રહ્યાં છે. કાન્હાજી જે ઝૂલામાં વિરાજમાન થશે તેની ખાસિયત છે કે આ પર્યાવરણને બચાવવા માટે સંદેશ આપે છે.
ખાસ કરીને લાકડાના ઝુલાઓ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન નીકળતું હોય છે અને વૃક્ષો કપાતા પર્યાવરણમાં સમતુલા ખોરવાય છે. તેથી વૃક્ષો કાપવાના બદલે લાકડાને ક્ટ કરી તેમાંથી જે કચરો નીકળે તે કચરાને રિસાયકલ કરીને તેમાંથી પ્લાય બનાવીને તેના પર ડિઝાઇન કરીને અમે ઝૂલાના અલગ અલગ પાર્ટ બનાવીએ છે. આ પાર્ટને જોઇન્ટ કરીને એક ઝૂલો તૈયાર થાય છે. 50થી 60 અલગ અલગ પાર્ટ આમાં આવે છે અને તેની કિંમત પણ 400 થી લઈને 600 સુધી હોય છે...પરેશભાઈ (ઝૂલા બનાવનાર)
કમ્પ્યુટર પર ડિઝાઇન તૈયાર કરવામાં આવી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જે રીતે વૃક્ષ નિકંદન થાય છે અને વસ્તુઓ બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવે છે તેને ધ્યાનમાં રાખી અમે જે લાકડાને કાપતી વખતે વેસ્ટ નીકળે છે પ્લાય બનાવીને અને એક જ ડિઝાઇન તૈયાર કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ. આ ઝૂલા માટે પણ અમે પહેલા કમ્પ્યુટર પર ડિઝાઇન બનાવી અને ત્યારબાદ લેઝર મશીનથી કટીંગ કરી અલગ અલગ પાર્ટ્સ તૈયાર કર્યા છે.
સાઈઝ પ્રમાણે ઝૂલાની કિંમત : પરેશભાઈ પાસે અત્યાર સુધીમાં આવા 300 જેટલા ઝૂલા લોકોએ ખાસ જન્માષ્ટમી પર્વ માટે બનાવડાવ્યા છે. જેની કિંમત સાઇઝ પ્રમાણે હોય છે. આ ઝૂલાની ખાસિયત એ છે કે જન્માષ્ટમીના પર્વ પછી તેના પાર્ટ્સ અલગ કરીને તેને સાચવીને મૂકી શકાય છે અને જ્યારે જરૂર હોય ત્યારે પાર્ટ્સ જોડીને તેને વપરાશમાં લઈ શકાય છે.
- Janmashtami 2022 in Vadodara ભક્તોના દાનમાંથી બન્યું 25 લાખ રુપિયાનું પારણું
- Janmashtami 2022 ડાકોરમાં કૃષ્ણ જન્માષ્ટમીએ રણછોડરાયજી સજશે કેવા આભૂષણો જૂઓ
- Janmashtami 2022 સુરતીઓ બાળગોપાળને 50 ગ્રામથી લઈ 5 કિલોના ચાંદીના પારણાંમાં ઝૂલાવશે