મહિધરપુરા ભવાનીવડ સ્થિત પટેલ સોમાભાઈ રામદાસ અને પટેલ અમરત માધા આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભાવનગરથી આશરે 3 કરોડના હીરા અને રોકડ લઈને આવતા હોવાની ટિપ ભૂતપૂર્વ કર્મચારી ચમન પટેલે રાજસ્થાનની ગેંગને આપી હતી. જેના આધારે ગેંગએ ગુરુવારે સવારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
જોકે, લૂંટને અંજામ આપે તે પહેલાં જ ક્રાઇમબ્રાન્ચે ગેંગના 6ને વરાછા મિનીબજાર બ્રિજ પાસેથી દબોચી લીધા હતાં. લૂંટારાઓ કર્મચારીને ચપ્પુ બતાવી આંખમાં મરચાની ભૂકી નાંખીને પેઢીની બોલેરો કારમાં રાજસ્થાન ભાગી જવાનો પ્લાન હતો. ક્રાઇમબ્રાન્ચે આરોપીઓ પાસેથી 3 છરા, એક લોખંડનું હથિયાર, દોરી, સેલોટેપ, કાળા કલરની બેગ અને 17 મોબાઇલ મળીને 29200નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાની ગેંગની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.
પકડાયેલા રીઢા પાંચ લૂંટારાઓએ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ લૂંટને અંજામ આપ્યો હતો અને જેલમાં પણ જઈ આવ્યા હતા. લૂંટનો મુખ્ય સૂત્રધાર દીપારામ ઉર્ફે દીપક માલી અને શ્રવણકુમાર પુરોહિતએ મુંબઈ ધોબીતળાવ વિસ્તારમાંથી 75 લાખની લૂંટમાં, બનાસકાંઠાના દિશામાં ધાડમાં તેમ જ તમિળનાડુમાં ઘરફોડચોરીમાં પકડાયો હતો. જ્યારે કમલેશ પુરોહિતે મુંબઈમાં સેન્ટ્રલ મોલમાં 10 લાખની લૂંટ કરી હતી.
મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકીને પકડવા માટે ગુરુવારે વહેલી સવારથી વરાછા મિનીબજાર વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેમાં ત્રણ PSI અને 8 પોલીસકર્મીઓએ 3 ટીમો બનાવી હતી. સાદા ડ્રેસમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા લૂંટારૂઓમાં દીપારામ ઉર્ફે દીપક જગારામ માલી, શ્રવણકુમાર ફાવડારામ પુરોહિત, કમલેશ પુરાજી પુરોહિત, કમલકિશોર ઉકારામ મેઘવાળ, ખીમસિંહ મુલસિંહ રાણા રાજપૂત, ચમન વાહજી પટેલનો સમાવેશ થાય છે.
રાજસ્થાની લુંટારૂઓ અને આંગડિયા પેઢીના પુર્વ કર્મચારી સહિત છ ઝડપાયા