- સત્તાનો ગેરફાયદો ઊઠાવતા સરપંચને નોટિસ
- ઓલપાડના સરપંચ રાજેશ ચૌધરીને DDOની નોટિસ
- પૂર્વ સરપંચે રાજેશ ચૌધરી વિરૂદ્ધ કરી હતી અરજી
- 15 દિવસમાં ખુલાસો આપવા કરાઈ જાણ
સુરતઃ જિલ્લામાં હાલના શાસકો મનસ્વીપણે નિર્ણય લઈ વહીવટ કરતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. વારંવાર આ પ્રકારની ફરિયાદો ઊઠતી હોય છે. હાલમાં જ ઓલપાડ તાલુકાના કીમ ગામના સરપંચને ગેરરીતિ અને સત્તાનો દુરૂપયોગ કરવા મુદ્દે સસ્પેન્ડ કરી દેવાયા છે. એ જ રીતે હવે તાલુકા મથકના ગામની ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
પૂર્વ સરપંચે જ હાલના સરપંચ સામે કરી હતી અરજી
આ અંગેની વિગત એવી છે કે, ઓલપાડના પૂર્વ સરપંચ બાલુ કહારે દ્વારા તા.02/02/2018 અને તા.07/01/2019ના રોજ સરપંચ રાજેશ ચૌધરી વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ પગલાં લેવા અંગે અરજી કરી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી, ઓલપાડ પાસે અહેવાલ મગાવ્યા હતા. જોકે, આજ દિન સુધી મળી નથી. આખરે અલગ-અલગ 11 મુદ્દા ને ધ્યાને રાખીને પ્રાથમિક દ્રષ્ટિએ તેઓ કસૂરવાર હોવાનું માની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
ડીડીઓએ આ મુદ્દાઓ ધ્યાને લીધા
- ઓલપાડ ગામે બ્લોક નં.1ના તળાવની બાજુમાં બ્લોક નં.27 સિટી સરવે નં. 5645/1 સરકારી કાંસની જમીનમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પાકું મકાન બનાવવાનું કૃત્ય
- સરપંચે ચૂંટણી સમયે નિહોળાનગરમાં પોતાનું મકાન કે શૌચાલય નથી એ ધ્યાન રાખવું
- વર્ષ 1996માં બનાવવામાં આવેલી તક્તી તોડીને નામ લખવાની વાત
- તા. 24/04/17ની સામાન્ય સભામાં ચર્ચા વિના ગેરકાયદે દબાણ દૂર કરવાની ફરજ
- અસનાબાદનું તળાવ મંજૂરી વિના મત્સ્યઉદ્યોગ માટે ફાળવ્યું
- બાંધકામની પરવાનગી બિન-ખેતીના નંબરોમાં ખોટું કર્યું
- બ્લોક ન.227માં વધારે બાંધકામ દૂર ન કરવું
- પંચાયત ધારાની નીતિ વિરૂદ્ધ ઠરાવ કરવાનું કૃત્ય
- તળાવ ખાનગી માલિક પાસે રહેવા દઈને પંચાયતને આર્થિક નુકશાન પહોંચાડવું
- બ્લોક નં. 313ની જમીનમાં ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ