સુરત : શહેેરમાં કોરોના વાઈરસનું સંકટ જોવા મળી રહ્યું છે. શહેરના મોટા વરાછા કે જ્યાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે.એક પરિવારને જાણ થઈ હતી કે, તેમના પરિવારના 7 સભ્યોને એક બાદ એક કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ગોયાણી પરિવારમાં 106 વર્ષની સૌથી વધુ ઉંમરના દાદા અને સાડા ત્રણ વર્ષનો તેમનો પ્રપૌત્ર,ગર્ભવતી પૌત્રવધુ સહિતના 7 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા.
એક જ ઘરમાં 7 જેટલા સભ્યો જો કોરોના પોઝિટિવ આવે તો પરિવારના સભ્યોની સ્થિતિ શુ થઇ શકે. અન્ય વ્યક્તિ હોય તો ચોક્કસથી તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ જાય. પરંતુ પરિવારના સભ્યોને આયુર્વેદિક ઉપચાર પર એટલો વિશ્વાસ હતો કે, તેઓ પ્રથમ ઘરમાં આઇસોલેટ થઈ ગયા અને આયુર્વેદિક ડોક્ટરો પાસેથી ઉપચાર મેળવી સારવાર શરૂ કરી હતી. આ સાથે પાલિકા દ્વારા આપવામાં આવેલી દવાઓ અને વિટામિનની ગોળીઓ પણ લીધી હતી.
મોટા વરાછા ખાતે ગોયાણી પરિવારના 9 સભ્યો છે. તમામનો રિપોર્ટ કરવામાં આવતા 4 પેઢીમાં ગોવિંદ દાદા,તેમના પુત્ર લાધાભાઈ અને પત્ની શિવકુંવરબેન, પૌત્ર કેડી અને અશ્વિન-પત્ની કિંજલ, પ્રપૌત્ર સનતનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગોવિંદ કાકાની ઉંમર 106 વર્ષ છે.