- પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 5માં ગંદકી અને ખરાબ રસ્તાથી લોકોએ ત્રાહિમામ પોકાર્યો
- ગંદુ પાણી, સફાઈ અને કોઈ સુવિધા ન મળતાં સ્થાનિક લોકો પરેશાન
- વોર્ડ નંબર 5માં યોગ્ય વ્યવસ્થા માટે નગરપાલિકામાં અનેકવાર કરવામાં આવી રજૂઆત
- નગરપાલિકા દ્વારા વ્યવસ્થા ન કરાતા મહિલાઓએ નગરપાલિકામાં હોબાળો કર્યો
બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5ના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી વિવિધ અસુવિધાઓથી હેરાનપરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણી સમયે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા નગરસેવકોએ આ વિસ્તારમાં વિકાસ કરવાના વચનો આપી મતદારો પાસેથી મત માગ્યા હતા, પરંતુ હવે જ્યારે સેવાનો અને સુવિધા આપવાનો વારો આવ્યો ત્યારે નગરસેવકો સ્થાનિકોને અંગુઠો બતાવી રહ્યા છે. આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી. તેમ જ આજુબાજુ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. આ બાબતે સ્થાનિક લોકોએ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા નગરસેવકોને અનેકવાર રજૂઆત કરી તેમ છતાં આજદિન સુધી આ વિસ્તારને કોઈ સુવિધા આપવામાં આવી નથી.
આ પણ વાંચો-ગુજરાતની ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ
સ્થાનિક લોકો સામે ફરિયાદની ચીમકી
પાલનપુરમાં વોર્ડ નંબર 5ના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈનો અભાવ છે. સફાઈ કામદારો પણ સમયસર ન આવતા અહીંના માર્ગો ગંદકીથી ભરાઈ ગયા છે. આ અંગે જ્યારે સ્થાનિકો સોશિયલ મીડિયા મારફતે નગરસેવકોને જાણ કરે છે. ત્યારે નગરસેવકો સ્થાનિકોને ફરિયાદ કરવાની ધમકી આપે છે.