- યુવક દારૂ પીને પત્ની અને સાસુ સાથે ઝઘડો કરતો
- ટેમ્પો પાછળ બાંધી અડધો કિલોમીટર સુધી ઘસેડ્યો
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરતના કડોદરામાં પત્નીએ ભાઈ સાથે મળી પતિને ટેમ્પો પાછળ બાંધી 2 હજાર ફૂટ ઘસડ્યો, ઘટના CCTVમાં કેદ - Drinking habits
સુરત જિલ્લાના કડોદરામાં મહિલાએ તેના ભાઈ સાથે મળી પતિને ટેમ્પો સાથે બાંધી અડધો કિ.મી. સુધી ઘસડતા પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે પત્ની અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત : જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ કૃષ્ણાનગરના સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બાલકૃષ્ણ રમેશભાઈ રાઠોડ (32) મિલમાં છૂટક મજૂરી કામ કરે છે. બાલકૃષ્ણ દારૂ પીવાની ટેવ વાળો હોવીથી પત્ની શીતલબહેન સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. પત્ની તથા સાસુ સાથે ઝઘડો કરનાર યુવાકને પત્ની અને સાળાએ ભેગા મળીને ટેમ્પો પાછળ બાંધી અડધો કિલોમીટર સુધી ઘસડી જવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
બાલકૃષ્ણને માર મારી ટેમ્પો સાથે બાંધી ઘસેડયો હતો
શુક્રવારના રોજ બપોરના 2 વાગ્યાના સમયે બાલકૃષ્ણએ તેની પત્ની શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતા પતિના રોજના કંકાશથી ત્રાસેલી પત્ની શીતલે તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈને કૃષ્ણાનગર ખાતે પહોંચ્યો હતો. જ્યાં અનિલ અને શીતલે ભેગા થઈ બાલકૃષ્ણને માર માર્યો હતો. ત્યારબાદ બાલકૃષ્ણને દોરડાથી હાથપગ બાંધ્યા બાદ ટેમ્પાની પાછળ બાંધીને અડધો કિલોમીટર સુધી રોડ ઉપર ઘસડી જતા અરેરાટી ફેલાઇ ગઈ હતી.