બારડોલી: બુધવારે પલસાણા તાલુકાના એના ગામ ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના હાઈટેન્સન ટ્રાન્સમીશન લાઈન બાબતે અસરગ્રસ્ત ખેડૂતો સાથે કંપનીના અધિકારીઓ અને ખેડૂત આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓએ પ્રોજેકટ અંગે માહિતી આપી હતી.
અમારી માગ નહીં સંતોષાય તો ટ્રાન્સમિશન લાઇન પસાર નહીં થવા દઈએ: ખેડૂતો આ પહેલા પલસાણા તાલુકાના ઘલૂડા ગામે કંપનીના અધિકારીઓ સાથે અસરગ્રસ્ત ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી. જેમાં ખેડૂતો દ્વારા પ્રોજેક્ટ બાબતે તથા જમીન સંપાદન બાબતે સાત પ્રકારની માહિતી માંગવામાં આવી હતી. ઘલૂડાં ખાતેની મિટિંગમાં ખેડૂતો દ્વારા માંગવામાં આવેલી માહિતી પૈકી બુધવારની બેઠકમાં અધૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
અમારી માગ નહીં સંતોષાય તો ટ્રાન્સમિશન લાઇન પસાર નહીં થવા દઈએ: ખેડૂતો બેઠકમાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. તમામ ખેડૂતોએ એક સૂરમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમામ માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો કંપનીને કોઈપણ કામગીરી કરવા મંજૂરી આપશે નહીં. જેના અનુસંધાનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારી દ્વારા ખેડૂતોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કામગીરી નહીં કરવાનું આશ્વાસન આપ્યું હતું. પાવર ગ્રીડ કોર્પોરેશન હજારો કરોડનો ઈન્ક્મ ટેક્ષ ભરતી કંપની હોવા છતાં કયા કારણસર ખેડૂતો સાથે વળતર માટે અન્યાય કરવામાં આવતો હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યા હતા. યોગ્ય વળતર અને માંગ નહીં સંતોષાય તો ખેડૂતોએ છેક સુધી લડી લેવા માટેની મક્કમતા દર્શાવી હતી.
બેઠકમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ (ઓરમા), સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ, ખેડૂત આગેવાન રસીદભાઈ(મલેકપોર), જયેશભાઇ(ગાંગપૂર) તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.