રાત્રીના બાર વાગ્યાથી સુરતમાં ધીમીધારથી મુશળધાર વરસાદ શરૂ થયો છે. ત્યારે આ વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારો સહિત ગરનાળાઓ પણ પ્રભાવિત થયા છે. જેમાં લીંબાયત અને ડીંડોલી-ઉધનાને જોડતા ગરનાળા આમ કમરસમા પાણી ભરાતા સ્થાનિક લોકોની સાથે એક છેડેથી બીજા છેડે જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
SMCની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી
સુરત: દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મેઘરાજાની ધુંઆધાર બેટિંગના પગલે સુરતના ગરનાળાઓ પણ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે. સુરતના લીંબાયત અને ડીંડોલી-ઉધના વિસ્તારને જોડતા ગરનાળાઓમાં કમર સુધીના પાણી ભરાયા છે.
મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે સુરતના લિંબાયત અને ડીંડોલી વિસ્તારના ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે ભારે વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે ડીંડોલી-ઉધના વિસ્તારને જોડતા ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હતા.
ગરનાળામાં ભરાયેલા પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા ગરનાળામાં પાણીનો ભરાવો રહ્યો હતો. વહેલી સવારે નોકરી-ધંધાર્થે જવા નીકળેલા લોકોએ પણ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. કેડસમા પાણી ભરાતા વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. છતાં પાણીનો યોગ્ય નિકાલ કરવા પાલિકાના એક પણ કર્મચારી ત્યાં ફરકયા ન હતા.