- સરથાણા પ્રાણીસંગ્રહાલયથી યોજવામાં આવશે રેલી
- વરાછામાં સરકારી કોલેજ બનાવવાની કરાશે માગ
- સુરતનો પંજાબી સમાજ પણ થશે સામેલ
સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક વખત ચર્ચામાં આવી છે. અનામત આંદોલનમાં થયેલા કેસ પાછા ખેંચવાની માંગ ઉપરાંત ખેડૂત આંદોલનને સમર્થન આપવા ‘પાસ’ દ્વારા 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે ખેડૂત સમર્થન પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, અત્યાર સુધી આ યાત્રાને પોલીસ પરવાનગી મળી નથી. પરંતુ પાસ દ્વારા આ રેલીના આયોજન અંગે નિર્ણય લેવાયો છે. પાસ નેતા ધાર્મિક માલવિયા મુજબ આ રેલીમાં 2000થી 3000 જેટલાં લોકો ભેગા થઇ શકે છે, ત્યારે એક દિવસ પહેલાં જ સરથાણા વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસ છાંવણીમાં ફેરવાયો સરથાણા વિસ્તાર
પાટીદાર અનામત આંદોલન સમયે સરકારનો વિરોધ કરનાર પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાની આગેવાનીમાં 26 જાન્યુઆરીનાં રાષ્ટ્રીય પર્વ નિમિતે ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવાની જાહેરાત કરી છે. સરથાણા પ્રાણીસંગ્રહાલયથી આ યાત્રા શરૂ કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી આ યાત્રાને પોલીસ પરવાનગી આપવામાં આવી નથી તેમ છતાં પાસના નેતાઓ આ રેલી કાઢવા માટે મક્કમ છે. આ જ કારણ છે કે સમગ્ર સરથાણા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે.
અનામત આંદોલનના કેસ પાછા ખેંચવાની માગ
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાત ગુજરાત સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી. યુવાનો કોર્ટ-કચેરી ના ધક્કાઓ ખાઈ રહ્યા છે. તિરંગા રેલીની માગ એ રહેશે કે, તમામ કેસ પાછા ખેંચવામાં આવે.