સુરત :ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે મોટો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, પાલોદ ગામની નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલી નેશનલ હોટલના કમ્પાઉન્ડમાંથી આઈસર ટેમ્પોમાંથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી પોલીસે 46 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ સહિત 56 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તેમજ ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
વિદેશી દારુનો જથ્થો : આ અંગે મળતી સત્તાવાર માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક આઈસર ટેમ્પોમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે અમદાવાદ જવાનો છે અને હાલ પાલોદ ગામની સીમે આવેલ નેશનલ હોટલના કમ્પાઉન્ડમાં ઊભો રહેલો છે. આ બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો શોધી તેના ડ્રાઈવર કમલેશ નામદેશ ભોશલેની ધરપકડ કરી હતી. ટેમ્પોની ચકાસણી કરતાં ટેમ્પોમાંથી 46,08,000 રૂપિયાની 46,080 દારુની બોટલો મળી આવી હતી. ડ્રાઈવરની અંગઝડતીમાં 3400 રોકડા, 2 મોબાઈલ 2500 રૂપિયા અને ટેમ્પો મળી કુલ રુ. 56,13,000નો મુદ્દામાલ કબજે લીધો હતો.