સુરત: નવસારીના સાંસદ સીઆર પાટીલની ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી છે, જેને લઈને સુરતના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવસારીના સાંસદ સીઆર પાટીલની ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી છે. અત્યાર સુધી જીતું વાઘાણી આ પદભાર સંભાળતા હતા. પરંતુ તેઓનો કાર્યકાળ પૂર્ણ થતા નવસારીના સાંસદ સીઆર પાટીલની વરણી કરવામાં આવી છે.
અનેક અટકળો પ્રદેશ પ્રમુખને લઈને ચાલી રહી હતી પરંતુ આજે તમામ અટકળોનો અંત આવ્યો હતો. નવસારી અને સુરતના કાર્યકરોમાં આ વરણીને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
સી.આર.પાટીલે 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર.પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા. એટલું જ નહીં, સૌથી વધુ લીડથી જીત મેળવનાર સાંસદમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. બે ટર્મ સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્રીજીવાર સાંસદ બન્યા છે.