સુરત: જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેરે ચોર્યાસી તાલુકાના ભીમરાડ ગામે કાર્યરત KFW ફાઇનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીનું (Operation of KFW Financed Metro Project) નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના ડિરેક્ટર સહદેવસિંહ રાઠીએ જર્મનીના રાજદૂતને સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા. ઉપરાંત તેમણે સુરત શહેરના ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લઈ કલેકટર આયુષ ઓક તથા મેયર હેમાલી બોઘાવાલા તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્માર્ટ સિટી તરીકે પ્રગતિ કરી રહેલા સુરત શહેર વિશે વિસ્તારમાં માહિતી મેળવી હતી.
જર્મની અને ફ્રાન્સ સરકારે 5434 કરોડની લોન સહાય આપી
પહેલીવાર સુરત શહેરના મહેમાન બનેલા (German Ambassador visits Metro Project in Surat) જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેર સુરતની સ્વચ્છતાથી પ્રભાવિત થયા હતા. તેમજ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી અને પ્રગતિથી વાકેફ થયા હતા. આ પ્રસંગે વોલ્ટરે જણાવ્યું કે, સુરત સ્માર્ટ સિટી તરીકે વિકસિત થઇ રહ્યું છે, ત્યારે શહેરના મેટ્રો પ્રોજેક્ટ માટે જર્મની અને ફ્રાન્સ સરકારે 5434 કરોડની લોન સહાય (Assistance for Metro Project in Surat) આપી છે. જેથી શહેરના લોકોને ભવિષ્યમાં સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. પ્રોજેક્ટ વહેલી તકે અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે ફન્ડિંગ તેમજ અન્ય ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાની તેમણે ખાતરી આપી હતી. રાજદૂત તથા અન્ય સભ્યોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.