સુરત: અનલોક-1ને લઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ સમગ્ર રાજ્યમાં આજે સોમવારે એસ.ટી.બસ સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. સુરત એસ.ટી.ડેપો પરથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની બસ સેવા શરૂ થતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ દરમિયાન બસ ડેપો પર આવતા પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં આજથી રાબેતા મુજબ એસ.ટી.બસ સેવા શરૂ
અનલોક-1માં રાજ્યમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. સુરતમાં પણ આજે સોમવારથી રાબેતા મુજબ એસ.ટી સેવા શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ બસમાં બેસાડતા પહેલા મુસાફરોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે જ પ્રવાસીઓને બસમાં ચઢવા દેવામાં આવે છે. સામાન્ય દિવસોમાં સુરત એસ.ટી.ડેપો પરથી પ્રતિ દિવસ રાજ્ય અને રાજ્ય બહાર 1100 જેટલી ટ્રીપ કરવામાં આવે છે. કોરોના વાઈરસને કારણે ઠપ્પ થઈ ગયેલી એસ.ટી.સેવા ફરી રાબેતા મુજબ કરી દેવાતાં લોકોમાં પણ રાહત જોવા મળી છે.
લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થતાં કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે રાજ્ય સરકારે પણ એસ.ટી.સેવા સમગ્ર રાજ્યમાં રાબેતા મુજબ શરૂ કરવાના આદેશ આપતા આજે સોમવારથી એસ.ટી.બસો દોડવાની શરૂ થઈ ચૂકી છે. જોકે હાલ માત્ર ગુજરાતમાં જ બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી પ્રવાસીઓમાં રાહત જોવા મળી છે.