અમદાવાદમાં આગની દુર્ઘટના બાદ ડાયમંડ સીટી બન્યું સતર્ક
સુરત: સુરત ફાયર વિભાગ દ્વારા સાત જેટલા ઝોનમાં કડક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા શોપિંગ મોલ અને કોમ્પલેક્ષમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમ્પલેક્ષના અને મોલ સંચાલકોને ફાયર દ્વારા બે વખત નોટિસ પાઠવ્યા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું હતું. આખરે મનપા કમિશ્નરના આદેશ બાદ સુરતના કુલ 16 જેટલી જગ્યાઓ પર સીલીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે પૈકી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રિચમંડ પ્લાઝાને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા આગમ આર્કેેડમાં આગની ઘટનામાં 3 લોકોના જીવ હોમાયા છતાં શહેરના મોલ અને કોમ્પ્લેક્ષના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. જે બાદ હવે સુરત ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આંખ આડા કાન કરતા મોલ અને કોમ્પ્લેક્ષ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત ફાયર વિભાગ દ્વારા કુલ સાત ઝોનમાં આવેલા મોલ અને કોમ્પ્લેક્ષની કુલ 1200થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગની કાર્યવાહીના પગલે મોલ સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.