સુરત : સુરતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજરોજ ફરીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ જોતાની સાથે જ લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી.
ઘટનામાં કોઈ પ્રકારની જાન હાની થઈ નથી :આ બાબતે ફાયર ઓફિસર જય ગઢવી એ જણાવ્યું હતું કે, 1:54 એ અમને કોલ આવ્યો હતો કે, ઉધના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અચાનક આગ લાગી છે. જેથી અમે ત્યાં પહોંચ્યા હતા અને અમારી સાથે ભેસ્તાન ફાયર વિભાગની ગાડી પણ ત્યાં પહોંચી હતી. આગના ગોટેગોટા ઉપર ઉડી રહ્યા હતા. જેથી આગ વધુ વિકરાળ બને તે પહેલા અમે બસ સ્ટેન્ડને ચારેબાજુથી ઘેરી લીધો હતો. એટલેકે બસ સ્ટેન્ડની બંને બાજુથી બબ્બે ગાડી ઉભી રાખવામાં આવી હતી. લગભગ 30 મિનિટમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ પ્રકારની જાન હાની થઈ નથી. આગ કયા કારણોસર લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ કુલિંગની કામગીરી પણ પૂર્ણ થઈ ચુકી છે.