દીપડાનાં કારણે મોતને ભેટેલા બાળકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવી સુરત: સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી જાય છે. ત્યારે થોડા દિવસ અગાઉ એક માનવભક્ષી દિપડાએ માનવ વસ્તી નજીક આવી એક બાળક પર હુમલો કર્યો હતો. ત્યારે ગણપત વસાવાને પરિવારને પાંચ લાખનો સહાય ચેક આપ્યો છે.
"ઘટના બની તે દિવસે જ અમારી ટીમ સાથે મૃતકના પરિવારની મુલાકાત કરી હતી. મૃતક બાળકને શ્રદ્ધાંજલિ આપી હતી. ફરી એકવાર મુલાકાત કરી સરકાર તરફથી મળવા પાત્ર સહાયનો ચેક આપ્યો હતો."--ગણપત વસાવા (માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય )
પશુ ચરાવવા ગયો હતો: માંગરોળ તાલુકાના આંકરોડ ગામની સીમમાં ગત ગણેશ ચતુર્થીના તહેવાર પર શાળામાં રજા હોવાથી 11 વર્ષીય સતીશ વસાવા તેઓના મિત્રો સાથે ગામની સીમમાં પશુ ચરાવવા ગયો હતો. તે દરમિયાન નજીકના શેરડીના ખેતરમાંથી દબાતા પગલે એક માનવભક્ષી દીપડો આવ્યો હતો. સતીશ વસાવા પર હુમલો કર્યો હતો. સતીશને દબોચી નજીકના ખેતરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાજર બાળકોએ બૂમાબૂમ કરતા દીપડો સતીશને મૂકીને ભાગી ગયો હતો.
મૃતક બાળકને શ્રદ્ધાંજલિ:સતિશને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજુબાજુ ગામના લોકો તેમજ સુરત જિલ્લા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજરોજ મૃતક બાળકના પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી. માંગરોળના ધારાસભ્ય અને સરકારના પૂર્વ વન પ્રધાન ગણપત વસાવાના હસ્તે પાંચ લાખનો સહાય ચેક આપવામાં આવ્યો હતો. ધારાસભ્યએ મૃતક બાળકને શ્રદ્ધાંજલિ આપી હતી.
હજુ પણ દીપડો પાંજરે પુરાયો નથી: બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી શેરડીના ખેતરમાં ભાગી ગયેલા દીપડો ઘટના બાદ કલાકો સુધી ઘટના સ્થળ નજીક આસપાસ આંટાફેરા મારતો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે વન વિભાગની ટીમે ઘટના સ્થળ નજીક પાંજરા તેમજ ટ્રેપ કેમેરા ગોઠવી દીધા હતા. જોકે ઘટનાને ચારથી પાંચ દિવસ વિત્યા છતાં હજુ સુધી વન વિભાગની ટીમને કોઈ સફળતા મળી નથી. જે એક નિરાશાજનક વાત છે. માનવભક્ષી દીપડો હજુ સુધી પાંજરે ન પુરાતા આસપાસ વિસ્તારના સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.
- Surat News : માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી વિસ્તારમાં પ્રવેશી દીપડા દ્વારા શ્વાનનો શિકાર, સીસીટીવીમાં ઝીલાઇ ઘટના
- Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો